
ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેમની પાસેથી બિનખેતીના પાવર છીનવી લઇને કલેકટર તંત્રને આપી દેવામાં આવ્યા હતા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે બિનખેતીના પાવર ફરી જિલ્લા પંચાયતોને આપવા માટેની માગણી ગાંધીનગર ખાતે અલગ અલગ જિલ્લા પંચાયતના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ગત તારીખ ૨૫ના રોજ મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠકમાં પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે કે બિનખેતીના પાવર હાલ જે સ્થિતિ છે તે યથાવત રહેશે અને પંચાયતોને ફરી સત્તા આપવામાં નહીં આવે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પાંચ વર્ષ પહેલા મોટાભાગની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતું અને ખેતીની જમીનો બીન ખેતીમાં તબદિલ કરવાની સત્તા જિલ્લા પંચાયતો પાસે હતી. તત્કલિન સમયે બિનખેતીની દરખાસ્તો મંજૂર કરવામાં લાખોનો ભ્રષ્ટ્રાચાર થાય છે તેવી ફરિયાદના આધારે સરકારે પંચાયતો પાસેથી આ સત્તા લઈ લીધી હતી . હવે જ્યારે ઓનલાઇન પારદર્શક વહીવટ ચાલી રહયો છે ત્યારે જો ફરીથી પંચાયતોને આવી સતા આપવામાં આવે તો તેના નકારાત્મક મેસેજ જવાની સાથોસાથ બિનખેતીનો ઊભો પાક લણવા માટે ફરી ભ્રષ્ટ્રાચાર શ થઈ જાય તેવી દહેશત હોવાનું જાણવા મળે છે.
પંચાયત પરિષદની બેઠકમાં રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં સ્ટાફની 40 ટકા જેટલી ઘટ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી રાજ્યમાં ચોમાસાના વરસાદની 45 ટકા ઘટ, જળાશયોમાં સરેરાશ 50 ટકા પાણી હોવાથી ઉનાળો આકરો બને તેવા એંધાણ છે. તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખોએ પંચાયતોમાં સ્ટાફની ઘટના કારણે રોજબરોજની કામગીરીમાં પણ ગંભીર વિપરીત અસર પડે છે સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક યોગ્ય કરવું જોઈએ. એવી રજુઆત કરતા પંચાયત પ્રમુખોની આ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને દરેક પંચાયત પ્રમુખોને કેટલી જગ્યા કયા વિભાગમાં અને સંવર્ગમાં ખાલી છે તેનું લીસ્ટ તાત્કાલિક સરકારને મોકલી આપવા જણાવાયુ છે.