ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ટુંક સમયમાં ખુલશેઃ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો
વોશિંગ્ટન, 24 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે યુદ્ધ અને સંઘર્ષને કારણે લગભગ બંધ થઈ ગયેલી ‘હોર્મુઝની સામુદ્રધુની’ જો વાતચીત સફળ રહેશે તો ટૂંક સમયમાં ફરી ખોલવામાં આવશે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે પોતાના લાક્ષણિક અંદાજમાં કહ્યું કે, “કદાચ હું અને અયાતુલ્લાહ સાથે મળીને આ માર્ગનું નિયંત્રણ કરીશું.”
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ઈરાનના ઉર્જા નેટવર્ક પર થનારા હુમલાઓને આગામી પાંચ દિવસ માટે ટાળી રહ્યું છે, કારણ કે ઈરાન સાથે તેમની ‘સારી વાતચીત’ થઈ છે. જોકે, આ વાતચીતમાં કોણ સામેલ હતું અને કરારની શરતો શું છે, તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્રમ્પના આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં તાત્કાલિક અસર જોવા મળી હતી, બ્રન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, ડોલર નબળો પડ્યો અને શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીજી તરફ, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ‘ફાર્સ’ એ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, અમેરિકા સાથે કોઈ પણ સીધી કે આડકતરી વાતચીત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત 18 માર્ચના રોજ ઈઝરાયલે ઈરાનના ‘સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ’ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને કતારના ‘રાસ લફાન LNG પ્લાન્ટ’ને નિશાન બનાવ્યો હતો. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, તો તેઓ ગલ્ફ વિસ્તારમાં અમેરિકી સૈન્ય બેઝને વીજળી આપતા પ્લાન્ટ્સને તોડી પાડશે.
આ સમાચાર પણ વાંચોઃ હિમાચલ પ્રદેશ: વિધાનસભાએ મૂલ્યવર્ધિત કર (સુધારા) બિલ, 2026 પસાર કર્યું


