
- રક્ષા ક્ષેત્રે વધુ એક મોટી સફળતા
- VL-SRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ
- ઓડીસાના સીએમએ DRDO ને આપ્યા અભિનંદન
ભારત તેની સંરક્ષણ સજ્જતાને સતત મજબુત બનાવી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન પણ ઝડપથી કામ કરી રહ્યું છે. સોમવારે વધુ એક સરફેસ ટૂ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. ડીઆરડીઓ દ્વારા ભારતીય નૌસેના માટે દેશમાં તૈયાર અને ડીઝાઇન કરવામાં આવેલી ટૂંકા અંતરનું ‘વર્ટીકલ લાંચ’ સરફેસ-ટૂ-એર મિસાઇલનું ઓડિશાના બાલાસોરમાં બે વાર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મિસાઇલનું પરીક્ષણ ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ રેંજથી લઘુત્તમ અને મહત્તમ રેંજમાં મિસાઇલની ક્ષમતાની આકારણી કરવા માટે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષણોમાં મિસાઇલે સફળતાપૂર્વક તેના લક્ષ્યને વીંધ્યું અને બધી અપેક્ષાઓ પૂર્ણ કરી. ડીઆરડીઓ અને ભારતીય નૌસેના માટે તે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ડીઆરડીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મિસાઇલ જુદા જુદા નજીકના લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓને આપ્યા અભિનંદન
રક્ષામંત્રી રાજનાથસિંહે મિસાઇલનું પરીક્ષણ કરવા બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ડીઆરડીઓના પ્રમુખ ડો. જી સતીષ રેડ્ડીએ પણ ટીમને VL-SRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તો, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વિટ કરીને અભિનંદન આપતા કહ્યું, “ઓડિસાના દરિયાકાંઠે દેશી રીતે બનાવવામાં આવેલી ટૂંકી રેંજની ‘વર્ટીકલ લાંચ’ સરફેસ-ટૂ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવા બદલ ડીઆરડીઓને અભિનંદન.”
હેલીના અને ધ્રુવાસ્ત્ર નું સફળ પરીક્ષણ
મોદી સરકારના’આત્મનિર્ભર ભારત મિશન’હેઠળ ભારતે 19 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પોખરણથી ત્રીજી પેઢીની એન્ટિ ટેંક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ‘હેલિના’અને ‘ધ્રુવાસ્ત્ર’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. રક્ષા મંત્રાલયે આ મિસાઇલોને વિશ્વનું સૌથી અદ્યતન એન્ટી ટેંક શસ્ત્રો ગણાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આ સિસ્ટમ તમામ હવામાન અને દિવસ અથવા રાત લક્ષ્ય સાધવામાં સક્ષમ છે. અને તેનાથી ટેંકોને નિશાન બનાવી શકાય છે.
-દેવાંશી