
સુરતમાં નશામાં ચકચૂર કાર ચાલકે સર્જી અકસ્માતની હારમાળા
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના મોટા વરાછા વિસ્તારમાં નશામાં છાકટા બનેલા નબીરાએ પૂરઝડપે કાર હંકારીને મોટર સાઈકલ અને કેટલાક રાહદારીઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકોએ કારને અટકાવીને ચાલકને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. કારનો ચાલક દારૂના નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં રાત્રિના સમયે એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન તેના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવ્યો હતો અને એક મોટરસાઈકલને અટફેટે લીધી હતી. એટલું જ નહીં કારના ચાલકે કેટલાક રાહદારીઓને પણ ટક્કર મારી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને કારના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એકત્ર થઈ ગયેલા લોકોએ કારને અટકાવીને ચાલકને માર માર્યો હતો. દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જતા લોકોએ ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ ચારેક વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. કારના ચાલકનું નામ ભાવેશ હોવાનું જાણવા મળે છે.
સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં કારમાંથી કંઈ શકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.