
અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું વિપુલ ઉત્પાદન થયુ છે. શરૂઆતમાં ખેડુતોને કપાસના ખૂબ સારા ભાવ મળ્યા હતા. પરંતુ ત્યારબાદ નિકાસ પર અસર થતાં ભાવમાં ઘટાડો થયો છે. આમ કપાસના ભાવમાં રોજ વધઘટ થતી હોવાથી ટેક્સટેક્સ ટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.અમદાવાદમાં ટેક્સ્ટાઇલની સમગ્ર વેલ્યુ ચેઇન જિનીંગ, સ્પીનીંગ, વિવીંગ અને પ્રોસેસિંગ દબાણ હેઠળ છે. ટેક્સ્ટાઇલ પ્રોસાસિંગ એકમો હાલમાં 50 ટકાથી પણ ઓછી ક્ષમતાએ ચાલે છે. આ સ્થિતિમાં અમુક પ્રોસેસ હાઉસો અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ચારેક એકમો બંધ થઇ જાય એ અવસ્થા સુધી પહોંચી ગયા હોવાનું કહેવાય છે.
અમદાવાદ ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પ્રોસાસિંગ હાઉસોની હાલત દયનીય છે. ઘણાએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નીચા ભાવે પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે તો અમુકે ઉત્પાદન બંધ કરી દીધું છે અને જોબ વર્કને આધારે ઓર્ડર્સ પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. તેનાથી તેમને પ્લાન્ટને ઓછી ક્ષમતાએ ચલાવવામાં અને પ્લાન્ટને ચલાવવાના ખર્ચમાં રાહત મળે છે. હાલમાં અનેક નાના નાના એકમોએ ક્યાં તો એક બીજામાં મર્જ કર્યુ છે તો અમુકે વૈવિધ્યકરણ પણ હાથ ધર્યુ છે. પરંતુ જેમની પાસે કોઇ રસ્તો બચ્યો ન હોય તેમણે પોતાના એકમો વેચવાની પણ તૈયારી કરી લીધી છે. હાલમાં ચારથી પાંચ એકમો વેચવાની તૈયારીમાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પ્રોસેસ હાઉસોએ પોતાની ક્ષમતા હોવા છતાં પેમેન્ટની મુશ્કેલી હોવાના કારણે બહારગામના વેપારીઓ સાથે કામ ઓછું કરી નાખ્યું છે. જોકે બીજી બાજુ સુરતનાં અમુક પ્રોસેસ હાઉસોએ નીચા ભાવે પણ કામ જતું કર્યુ નથી. તેથી મોટા ભાગનો ધંધો સુરત ખેંચાઇ ગયો છે. રેયોન, નાના પન્નાના, કોટન એ ઘણી બધી આઇટમો માટે વેપારીઓ સુરત જતા રહ્યા છે. સુરતમાં મીટરદીઠ રૂા. દોઢથી બે રૂપિયાથી ભાવ વધ્યો નહીં. આમ અમદાવાદ અને સુરતના ભાવમાં રૂા. 3થી 4નો તફાવત થઇ ગયો છે. અમદાવાદનાં પ્રોસેસ હાઉસમાં નિકાસ, સ્થાનિક કે જે તે પ્રોસેસ હાઉસની સ્પેશિયાલિટીનું કામ હશે પરંતુ અહીં જે ક્વોલિટી મળતી તે જ સુરતમાં મળતી થઇ ગઇ છે. જે અમદાવાદનાં પ્રોસેસ હાઉસો માટે ચિંતાજનક બાબત છે.