
અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લાનો કાલે તા. 22મીને સોમવારે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે ગુજરાતભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરોથી લઈને નાના-મોટા ગામડાઓ સુધી ભગવા પતાકા લહેરાઇ રહ્યા છે. ઠેરઠેર જયશ્રી રામના નારા સાથે રેલીઓ યોજાઈ રહી છે. રાજ્યમાં અનેક શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા આ ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા માટે રેલીનું આયોજન કરાયું હતુ.
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં જયશ્રી રામના નારા સાથે અનેક રેલી યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાઓ કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવા પતાકા લહેરાવીને રેલી યોજવામાં આવી હતી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સમગ્ર દેશ રામભક્તિમાં લીન થયો છે. ઊંચ નીચના ભેદભાવ વગર દેશમાં રામ રાજ્ય સ્થપાયું છે. કલોલ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગુરુકુલના 10,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ સ્ટાફ મેમ્બર દ્વારા ભવ્ય કળશયાત્રામાં ભાગ લેવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા યોજવામાં આવેલી ભવ્ય કળશયાત્રા હાથી, ઘોડા ગાડી, ઊંટ ગાડી મોટરગાડીમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો દ્વારા ભગવાન શ્રીરામના ચિત્રવાળા ભગવા રંગના ધજા પતાકા પણ લેહરાવવામાં આવ્યા હતા. આ ભવ્ય કળશ યાત્રાને કલોલના માર્ગો પર ફેરવવામાં આવી હતી આ સાથે ‘જયશ્રી રામ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જામનગર, ભાવનગર, રાજકોટ, સુરત સહિત તમામ શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લીધે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉના શહેરમાં રામમંદિરથી સૂર્યમુખી હનુમાન મંદિર સુધી કળશ રથયાત્રાને સાથે બાળકો રામ ભગવાનના વેશમાં શોભાયાત્રા નિકળી હતી. જયશ્રી રામના નારા સાથે ધામધૂમપૂર્વક ડીજેના તાલ શહેરનાં રાજમાર્ગ પર નીકળી ટાવર ચોક, ત્રિકોણ બાગ તેમજ સૂર્યમુખી હનુમાન મંદિરે વિધિવત આરતી, પૂજન કરવામાં આવી હતી.
ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉધના વિધાનસભામાં હજારો લોકો એક સાથે એકત્રિત થયા હતા. ભવ્ય સ્ટેજ બનાવીને સ્ટેજ ઉપર રામલીલા ભજવવામાં આવી હતી જેમાં રામ સીતા લક્ષ્મણ અને રાવણ સહિતના પાત્રો ભજવવામાં આવ્યો હતા. રામ જીવન ચરિત્રને રજુ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ સાથે સાથે હજારોની સંખ્યામાં એક સાથે ભગવાન રામનો ધ્વજ જ લહેરાવવામાં આવ્યા હતા. જેના કારણે ભક્તિમય વાતાવરણ બની ગયું હતું.