
અમદાવાદઃ કાળઝાળ ગરમી અને ઉનાળાના વેકેશનને લીધે ગુજરાતના સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં શનિ-રવિની રજાઓમાં તો એટલા બધી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા કે, તમામ હોટલો બુક થઈ ગઈ હતી. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ અરાવલીની પર્વતમાળાની વચ્ચે આવેલું છે. વર્ષે અહી મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે. કુદરતી સોંદર્ય અને પહાડોની મોજ માણવા અનેક સહેલાણીઓ દેશભરથી માઉન્ટ આબુ આવે છે. યાત્રાધામ અંબાજીથી લગભગ 45 કિલોમીટરની અંતરાલે આવેલું રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ અનેક સહેલાણીઓનું ફરવા માટેનું પસંદગીનું સ્થળ છે. હિલ સ્ટેશન હોવાના લીધે માઉન્ટ આબુનું ખુશનુમા વાતાવરણ અને આકર્ષક સોંદર્યના લીધે વર્ષભર સહેલાણીઓ આવતા હોય છે. પણ ગરમીની મોસમમાં હિલ સ્ટેશન માઉન્ટ આબુનું વાતાવરણ અન્ય સ્થળોથી ઠંડુ હોવાના લીધે સહેલાણીઓનો ઘસારો વધી જાય છે.
માઉન્ટ આબુમાં સપ્તાહના અંતે પ્રવાસીઓની ભીડ જામી છે. ઉનાળાના વેકેશનમાં આબુ પ્રવાસીઓથી ધમધમતું જોવા મળી રહ્યું છે. આકરી ગરમી વચ્ચે પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ વળ્યા છે. શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું. ત્યારે નીચાણવાળા વિસ્તારોની સરખામણીએ આબુમાં હવામાન ખુશનુમા જોવા મળ્યું હતું. શનિવાર અને રવિવારે હજારો પ્રવાસીઓ આબુમાં આવ્યા હતા. લગભગ 22,000 પ્રવાસીઓ 5,464 વાહનોમાં માઉન્ટ આબુ પહોંચ્યા હતા. જેના લીધે પાલિકાને રૂ.5 લાખ 86 હજાર 750ની આવક ટેક્ષ દ્વારા થઈ હતી. નક્કી તળાવમાં પ્રવાસીઓએ સહેલાણીઓની મજા માણી રહ્યા છે. અને આબુની સુંદર ખીણોનો પ્રવાસ પણ માણ્યો હતો.(File photo)