
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના બીજા જ દિવસે ગાંધીનગરમાં EVM મશીન જ્યાં રાખવામાં આવેલા છે. એવા ઇલેક્શન કમિશનના વેર હાઉસમાં અચાનક એલાર્મ ગુંજી ઉઠતાં જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસ ખોલીને એલાર્મ બંધ કરી તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિદાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યનું વહિવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયુ છે. અને આચારસંહિતા લાગુ પાડી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સવારે EVM મશીન રાખવામાં આવેલા છે તે વેર હાઉસમાં અચાનક એલાર્મ ગુંજી ઉઠતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. અચાનક ઘટેલી ઘટનાથી નાયબ કલેકટર સહિતના અધિકારીઓ, પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ચૂંટણી જાહેર થયાના બીજા જ દિવસે વેર હાઉસમાં એલાર્મ ગુંજી ઉઠતાં રાજકીય પક્ષોનાં આગેવાનો પણ દોડી આવ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેકનિકલ ટીમને સાથે રાખીને વેર હાઉસના દરવાજા ખોલીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દસ વાગ્યાની આસપાસ જાણ થતાં સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. ફાયર ની ટીમ સાથે મેઈન સ્વીચ બંધ કરીને એલાર્મ બંધ કરી દેવાયું હતું. પ્રાથમિક રીતે ભેજનાં કારણે એલાર્મ વાગ્યું હોય તેવી માહિતી મળી છે. તેમ છતાં એક ટીમને તપાસના આદેશો આપી દેવાયા છે. ઉપરાંત રાજકીય પાર્ટીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલી પણ તપાસ કરી હતી. ટેકનીકલ ક્ષતિને કારણે એલાર્મ વાગ્યુ હોવાનું માનવામાં આવે છે.