
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વર્ષો પહેલા બનેલા ગણા સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા છે. આવા ક્વાટર્સમાં રહેતા ઘણા કર્મચારીઓ નિવૃત થયા છતાયે મકાનો ખાલી કરતા નથી. બીજી બાજુ જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સને ખાલી કરવાની તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે મકાનો ખાલી ન કરાતા આખરે ભયજનક આવાસ ખાલી કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને વીજળી- પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાંખવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગઈકાલે ગુરુવારે વધુ 170 આવાસોના વીજળી- પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. આ 170 આવાસમાં નિવૃત્તિ બાદ ગેરકાયદે કબજો ધરાવતા હોય તેવા અને વૈકલ્પિક આવાસ અપાયું હોવા છતાં કબજો નહીં છોડનારા પરિવારોના આવાસનો સમાવેશ થાય છે. જો કે જે કર્મચારીઓને વૈકલ્પિક વ્યવસ્થા નથી થઇ તેવા 302 ભયજનક આવાસ મામલે હમણાં કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં 1275 જેટલા સરકારી આવાસ ભયજનક જાહેર કરવામાં આવ્યા હોવા છતાં કર્મચારી પરિવારો આવાસ ખાલી નહીં કરતા પાટનગર યોજના વિભાગે મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપી હતી. જેથી મ્યુનિની ટીમ દ્વારા આવા આવાસોના વીજળી- પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાંખવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં સેક્ટર-23ના વસાહતીઓ દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરતા ધારાસભ્ય રીટાબેન પટેલે દરમિયાનગીરી કરી હતી. અધિકારીઓની બેઠકમાં તેમણે 302 કર્મચારી પરિવારોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખાલી નહીં કરાવવાની સૂચના આપી હતી. જેથી આ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી એકાદ સપ્તાહમાં તેમને વૈકલ્પિક આવાસ ફાળવાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેટલાક કર્મચારી પરિવારોને ભયજનક આવાસ સામે અન્ય સ્થળે વૈકલ્પિક આવાસ ફાળવી દેવાયા હોવા છતાં તેઓ ભયજનક આવાસ છોડવા તૈયાર ન હતા. આથી આવા ગેરકાયદે કબજા સામે મ્યુનિ.એ ગુરૂવારે સેક્ટર-16,17, 20, 21, 22, 28 અને 29માં ગેરકાયદે કબજો હોય તેવા 170 આવાસના વીજળી- પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. જો કે, હાલ આ કાર્યવાહી માત્ર ગેરકાયદે કબજો હોય તેવા આવાસમાં જ કરાઈ રહી છે.