1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની ગરમીમાં માણો ગિલ્ટ-ફ્રી ઠંડક: ઘરે જ બનાવો ખાંડ વગરના આ 4 હેલ્ધી આઈસ્ક્રીમ
ઉનાળાની ગરમીમાં માણો ગિલ્ટ-ફ્રી ઠંડક: ઘરે જ બનાવો ખાંડ વગરના આ 4 હેલ્ધી આઈસ્ક્રીમ

ઉનાળાની ગરમીમાં માણો ગિલ્ટ-ફ્રી ઠંડક: ઘરે જ બનાવો ખાંડ વગરના આ 4 હેલ્ધી આઈસ્ક્રીમ

0
Social Share

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમી અને પરસેવા વચ્ચે મનને શાંતિ આપે તેવી ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ બાળકોથી લઈને વડીલો સુધી સૌના ચહેરા પર સ્મિત આવી જાય છે. જોકે, બજારમાં મળતા આઈસ્ક્રીમમાં વધુ પડતી ખાંડ, પ્રિઝર્વેટિવ્સ અને અનહેલ્ધી ફેટ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે ડાયાબિટીસ, વજન વધારો કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવ, તો ‘નો સુગર આઈસ્ક્રીમ’ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સૌથી સારી વાત એ છે કે તમે ઘરે જ પ્રાકૃતિક સામગ્રીથી તેને બનાવી શકો છો.

નેચરલ બનાના આઈસ્ક્રીમ

કેળા કુદરતી રીતે મીઠા અને ક્રીમી હોય છે, જે આઈસ્ક્રીમ માટે બેસ્ટ બેઝ છે. આ આઈસ્ક્રીમ માટે 2 પાકેલા કેળા, 1/2 કપ દૂધ (અથવા બદામનું દૂધ), 1/2 ચમચી વેનીલા એસેન્સ લો. તેને બનાવવા માટે સૌ પ્રથમ કેળાના ટુકડા કરી તેને 4-5 કલાક ફ્રીઝરમાં જમાવી દો. ત્યારબાદ ઠંડા કેળાને દૂધ અને વેનીલા એસેન્સ સાથે બ્લેન્ડરમાં પીસી લો. આ મિશ્રણને ફરીથી એક કલાક ફ્રીઝરમાં રાખી ઠંડુ-ઠંડુ સર્વ કરો.

મેંગો-દહીં (યોગર્ટ) આઈસ્ક્રીમ

 કેરી અને દહીંનું મિશ્રણ ઉનાળામાં પ્રોબાયોટિક્સની સાથે ગજબની ઠંડક આપે છે. આઈસ્ક્રીમ બનાવવા માટે 1 કપ કેરીનો રસ/પલ્પ, 1/2 કપ ઘટ્ટ દહીં, 1-2 ખજૂર (કુદરતી મીઠાશ માટે) લો. આ આઈસક્રીમ બનાવવા માટે આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખી બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને આઈસ્ક્રીમ ટ્રે કે કુલ્ફીના મોલ્ડમાં ભરી 5-6 કલાક ફ્રીઝરમાં સેટ થવા દો.

ચોકલેટ-પીનટ બટર આઈસ્ક્રીમ

 ચોકલેટ પ્રેમીઓ માટે આ હેલ્ધી વિકલ્પ છે, જે પ્રોટીનથી પણ ભરપૂર છે. ચોકલેટ-પીનટ બટર આઈસ્ક્રીમ બનાવવા માટે 2 થીજવેલા કેળા, 1 મોટી ચમચી પીનટ બટર, 1 નાની ચમચી કોકો પાવડર લો. આઈસ્ક્રીમ બનાવવા માટે બધી જ સામગ્રીને ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી બ્લેન્ડ કરો. તમે તેને તરત જ ખાઈ શકો છો અથવા વધુ ઠંડક માટે થોડીવાર ફ્રીઝ કરી શકો છો.

સ્ટ્રોબેરી કોકોનટ આઈસ્ક્રીમ

જો તમને ફ્રૂટી અને નટી ફ્લેવર ગમતો હોય તો આ રેસીપી બેસ્ટ છે. આઈસ્ક્રીમ બનાવવા માટે 1 કપ તાજી અથવા ફ્રોઝન સ્ટ્રોબેરી, 1/2 કપ નાળિયેરનું દૂધ, 2-3 ખજૂર લો. આઈસ્ક્રીમ બનાવવા માટે સ્ટ્રોબેરીને કાપીને થોડીવાર ફ્રીઝરમાં ઠંડી કરો. ત્યારબાદ નાળિયેરનું દૂધ અને ખજૂર સાથે તેને બ્લેન્ડ કરી લો. તૈયાર મિશ્રણને કન્ટેનરમાં ભરી 4-5 કલાક માટે જમાવી દો.

આ રેસીપીઓમાં આપણે ખાંડને બદલે ફળો અને ખજૂરની કુદરતી મીઠાશનો ઉપયોગ કર્યો છે. તે ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર છે, જે બાળકો માટે પણ પૌષ્ટિક છે. હવે આ ઉનાળામાં ડર્યા વગર માણો ઠંડકનો અસલી આનંદ!

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code