ગુજરાત યુનિવર્સિટીમાં 10 મી નવેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે, જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક કલેન્ડર મુજબ સંલગ્ન કોલેજો અને ભવનોમાં તા. 10મી નવેમ્બરથી સત્રાંક પરીક્ષાઓનો પ્રારંભ થશે. ડિસ્મ્બરના અંત સુધીમાં સત્ર પૂર્ણ થશે. અને જાન્યુઆરીથી નવા સત્રનો પ્રારંભ થશે. કોરોકાળને કારણે 2020-21 અને 2021-22ના શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.હવે સ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે નવા સત્રથી બધું રાબેતા મુજબ શરૂ થયું છે. હવે દિવાળી વેકેશન બાદ યુનિની સેમેસ્ટર મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મબજબ ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ વિધાશાખાની પરીક્ષા 10 નવેમ્બરે શરૂ થશે અને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સત્ર પૂરું થશે. 21 ઓક્ટોબરથી સ્કૂલ કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થશે.ગુજરાત યુનિવર્સિટીમાં પણ વેકેશન પૂર્ણ થતાની સાથે જ અલગ અલગ વિધાશાખાના સેમેસ્ટર -5ની પરીક્ષા શરૂ થશે. ત્યારબાદ સેમેસ્ટર 3 અને 1ની પરીક્ષા શરૂ થશે. આ તમામ પરીક્ષા પુરી થતા વિદ્યાર્થીઓનું વર્ષનું એક સત્ર પૂરું થશે અને જાન્યુઆરી મહિનાથી નવું સત્ર શરૂ પણ થઈ જશે. આ વર્ષે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં નહીં આવે જેથી પરીક્ષા પણ સંપૂર્ણ ઓફલાઇન મોડમાં જ લેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અગાઉ કોરોનાને કારણે 2 વર્ષ અભ્યાસ પર અનેક પ્રકારની અસર પડી હતી. ગત વર્ષે પણ ડિસેમ્બર મહિના સુધી માત્ર એડમિશન પ્રક્રિયા જ ચાલી રહી હતી. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં સેમેસ્ટર 5,3 અને 1ની પરીક્ષા યોજવામાં આવી હતી. કોરોનાના કેસ આવતા હોવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પણ આપવામાં આવતો હતો.જોકે હવે સ્થિતિ સાવ સામાન્ય થતા 2 વર્ષ બાદ રાબેતા મુજબ પ્રવેશ અને પરિણામની પ્રક્રિયા પુરી થશે.