
નામી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા, નકલી અથડામણ મામલે 14ને સજા
મુંબઈ: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં સજા થઈ છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો મેમ્બર હતો. તેનું એન્કાઉન્ટર મુંબઈના જ વર્સોવામાં નવેમ્બર 2006માં થયું હતું. આ એન્કાઉન્ટરની તપાસમાં તે નકલી હોવાનું ઉજાગર થયું હતું. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરીની ડિવિઝન બેન્ચે અન્ય 13ની આજીવન કેદની સજાને પણ યથાવત રાખી છે. આ સજા નીચલી અદાલતે આપી હતી. તેમાં એક પ્રદીપ સૂર્યવંશી પણ છે. તેમને પણ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકેની ખ્યાતિ મળેલી છે.
આ લોકો પર આરોપ હતો કે તેમણે લખન ભૈયાને નવી મુંબઈના વાશી વિસ્તારમાંથી કિડનેપ કર્યો હતો. લખનના એક મિત્ર અનિલ ભેડેને પણ પકડવામાં આવ્યો હતો. આ મામલામાં કોર્ટે 6 આરોપીઓને બરી કર્યા હતા. જ્યારે અન્ય બે વિરુદ્ધ કેસ બંધ કરી દીધો છે. આ લોકોના હાઈકોર્ટમાં અપીલ દાખલ થવા દરમિયાન મોત નીપજ્યા હતા. 12 જુલાઈ, 2013ના રોજ મુંબઈની સેશન્સ કોર્ટે પ્રદીપ શર્માને આ મામલામાં બરી કર્યા હતા. પરંતુ પ્રદીપ સૂર્યવંશી સહીત અન્ય લોકોને આજીવન કેદની સજા ફટકારાય હતી.
વકીલ રાજીવ ચવ્હાણ પ્રમાણે, લખન ભૈયા અને તેના સાથીદાર અનિલ ભેડાને પોલીસે તેમના વાશી ખાતેના મકાનથી ઉઠાવ્યા હતા. તેના પછી તેને 11 નવેમ્બર, 2006ના રોજ એક ફેક એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. તેના સિવાય પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો મેમ્બર હતો. પોલીસનો દાવો હતો કે લખન ભૈયા વિરુદ્ધ તે દરમિયાન હત્યા, ખંડણી અને હત્યાની કોશિશના ઘણાં કેસો હતા. આ મામલામાં લખન ભૈયાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આના પર અદાલતે ફેક એકાઉન્ટરના આરોપોની મેજીસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો.
મામલાની તપાસ બાદ મેજીસ્ટ્રેટે 11 ઓગસ્ટ, 2008ના રોજ રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે લખન ભૈયાની હત્યા પુરા પ્લાનિંગ સાથે થઈ હતી. આ કોઈ એન્કાઉન્ટર ન હતું. તેના પછી હાઈકોર્ટે એસઆઈટીની રચના કરી હતી અને ફેક એન્કાઉન્ટરના મામલામાં ફેરતપાસ કરાય. આ વિગતવાર તપાસ બાદ એસઆઈટીએ જે ચાર્જશીટ દાખલ કરી, તેમાં 22 લોકોને આરોપી બનાવાયા હતા. આ લોકોમાં એક શખ્સ જનાર્દન પણ સામેલ હતો. કહેવામાં આવતું હતું કે લખન ભૈયાની સાથે તેનો જમીનનો કોઈક વિવાદ હતો. તેના કારણે પ્રદીપ શર્મા અને પ્રદીપ સૂર્યવંશીએ તેની હત્યા કરવા માટે કોન્ટ્રાક્ટ લીધો હતો.