
પાલનપુરઃ ગુજરાત સરકારે અન્ય કૃષિ પેદાશોની જેમ રાયડો પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ રાયડો 2400 કિલોની મર્યાદામાં ખરીદી રજિસ્ટેશન કરાતું હોવાથી બનાસકાંઠાના ખેડુતોમાં સરકાર સામે નારાજગી જાવા મળી રહી છે. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને રાયડાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા હટાવવાની વિનંતી કરવામાં આવી હતી. રાયડાની ખરીદીની મર્યાદા દુર કરવામાં નહીં આવે તો ખેડુતોએ ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી.
થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડુતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સરકાને સંબોધીને એવી રજૂઆત કરવામાં આવી હતી. કે, રાજય સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે ખેડૂતો જોડેથી રવિ પાક રાયડાની ખરીદી માર્ચ મહિનાની 18 તારીખથી ચાલી રહી છે અને એની ખરીદીની મર્યાદા વર્ષ 2022-23ની સરખામણીએ ઘટાડી દીધી છે. ગત વરસે ખેડૂત ખાતેદારને જેટલી જમીન હોય તેટલી જ વાવેતરના પાણીપત્રક મુજબ ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા બે હેક્ટરની મર્યાદામાં ફક્ત 2400 કિલો રાયડો ખરીદી કરવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી એટલા માટે છે કેમ કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું હતું અને થરાદ તાલુકામાં લગભગ ખેડૂત ખાતેદારો મોટી જમીનો ધરાવે છે, અને આ વર્ષે સિંચાઈનું પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ વાતાવરણને રાયડાનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં થયું છે. જેથી ખેડૂતોને વધારાના રાયડાને ના છૂટકે માર્કેટમાં નીચા ભાવે વેચવા મજબૂર બનવું પડે છે. જગતના તાત એવા ખેડૂતોની પરસેવાની કમાણી પણ આ મોંઘવારીના સમયમાં મળતી નથી. નિયમમાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસે તાલુકાના તમામ ખેડૂતોને સાથે રાખીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપીને ભૂખ હડતાળની ચીમકી પણ આપવામાં આવી છે.