
ઉપલેટામાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા પૂત્રની નજર સામે પિતાનું મોત
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં એક જ દિવસે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ઉપલેટાના પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત નિપજ્યું હતુ. જયારે અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત નિપજ્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ઉપલેટા તાલુકામાં અકસ્માતના જુદા જુદા બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતની વિગતો એવી છે કે, ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલ પાસે ટ્રક અને ટ્રેક્ટર સામસામે અથડાતા ટ્રેકટરમાં સવાર નિલાખા ગામના પિતા-પુત્રમાંથી પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માતની જાણ થતા પોલીસ દોડી આવી હતી, પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમાં નિલાખા ગામના પ્રવિણભાઈ મેતા નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેમના પુત્ર અમિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો બીજો બનાવ ઉપલેટાના ગણોદ ગામની સીમમાં બન્યો હતો. જેમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતમાં ડુમીયાણી ગામના માજી સરપંચના પતિ દિનેશભાઈ મકવાણાનું મોત થયું હતુ. આ બન્ને અકસ્માતોમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે કરીને મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ અકસ્માતથી નિલાખા અને ગણોદ ગામે શોકનું મોજુ ફરી વળ્યુ હતું.