
પ્રેમીકાના પરિવારજનોના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચ્યો
જયપુરઃ રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીકાના પરિવારજનોના મારના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાનના પરિવારજનોએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ યુવાન પાકિસ્તાન આર્મી પાસે હોવાનું જાણવા મળે છે. જેથી તેને પરત ઘરે લાવવા માટે ભારતીય અધિકારીઓ પાકિસ્તાન આર્મીના સતત સંપર્કમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના બિજરાડ નજીક એક ગામમાં રહેતા ગેમરા રામ મેઘવાલ નામના યુવાનને પડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન યુવાન પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. જ્યારે યુવતીના પરિવારજનોએ તેને જોઈ લીધો હતો. તેમજ પકડીને માતા-પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. યુવતીના પરિવારજનો માર મારશે તેવા ડરે યુવાન બોર્ડર પાર કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. યુવાનનું ગામ સરહદની નજીક છે અને સરહદની પેલી બાજુ તેના સંબંધીઓ વસવાટ કરે છે. બીજી તરફ યુવાન પાકિસ્તાન પહોંચી ગયો હોવાની વાતથી અજાણ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. એ પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બીએસએફના અધિકારીઓએ પણ યુવકને પાછો લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. બીએસએફના અધિકારીઓએ પાક. સૈન્યના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને ખૂબ ઝડપથી યુવાન પાછો આવી જશે એવો આશાવાદ પણ વ્યક્ત કરાયો હતો.