રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડાં ફોડીને. આતશબાજી કરીને તેમજ રાત્રે તુક્કલ ઉડાડીને તહેવારની મોજ માણતા હોય છે. પરંતુ ફટાકડાને કારણે પર્યાવરણને થતાં નુકશાનને ધ્યાને લઈને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં કોઈપણ જાતના ફટાકડા ફોડવા કે તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે. તેમજ ચાઈનીઝ તુક્કલ, લેંટર્નના વેચાણ કે ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા તેમજ કોર્ટ કચેરી કે હોસ્પિટલના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી તેમજ દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને રાજકોટ શહેરમાં તા. 1 નવેમ્બર 2023થી 25 નવેમ્બર 2023 સુધી ખાસ તહેવાર નિમિત્તે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફોડવા બાબતે આપેલા દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. તેમજ તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી તેજમ અગવડ ન પડે તે માટે રાજકોટ શહેર વિસ્તારમાં ખરીદી, વેચાણ અને ફટાકડા ફોડવા ઉપરાંત પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે બાબતે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. સાથે જ ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેંટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે રાજકોટ શહેરની હદમાં કોઈપણ વ્યક્તિ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્નનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં.
આ ઉપરાંત શહેરના જાહેર રોડ-રસ્તા તથા ફૂટપાથ ઉપર દારુખાનું કે ફટાકડા ફોડી કે સળગાવી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા ઉપર આતશબાજી કરી શકાશે નહીં. શહેરમાં દિવાળી અને દેવ દિવાળીના દિવસે રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે કોર્ટ કચેરી કે હોસ્પિટલના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા કે દારુખાનું ફોડી શકાશે નહીં. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેમની સામે ફોજદારી અધિનિયમ 1860ની કમલ 188 મુજબ તથા જીપી. એક્ટ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. (file photo)


