
મોરબી હાઈવે પર ટીંબડીના પાટિયા પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ ઘૂંસી જતાં પાંચના મોત
મોરબીઃ જિલ્લાના માળિયા હાઈવે પર ટીંબડી પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 યુવકનાં મોતથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતાં પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેથી કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, મોરબીના માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. મોરબી નજીક ભરતનગરથી કાર લઈને નીકળેલા આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર નામના યુવકોને ટીંબડી પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં આસપાસમાંથી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ટ્રક પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો. બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ તપાસમાં તમામ યુવકો મોરબી શહેરના ભરતનગરના હતા અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલક સહિત તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલી પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યા હતા. આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેધ હોટલની સામે આ બનાવ બન્યો હતો.