
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીને પગલે સરકાર હરકતમાં, તાત્કાલિક બોલાવી બેઠક
અમદાવાદઃ કર્ણાટકમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન આજે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્યિ વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનું જાણવા મળે છે. હજુ રાજકોટ અને અમદાવાદમાં ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. જેના ઓમિક્રોનનો રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા મુખ્યમંત્રી નિવાસસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સરકારની કામગીરીની ચર્ચા કરાઈ છે. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓની યોગ્ય ચેકીંગની સુચના આપવામાં આવી છે. તમામ જિલ્લા કલેકટરોને પણ આ અંગે જરૂરી સુચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ જામનગરમાં ઓમિક્રોનના પ્રથમ કેસ અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. દરમિયાન એઈમ્સના તબીબે જણાવ્યું હતું કે, ઓમિક્રોનનો કેસ જામનગરમાં સામે આવ્યો છે પરંતુ ડરવાની જરૂર નથી. કોઈ પણ વાયરસ રૂપ બદલતો રહે છે. તેમજ આ વાયરસ ઘાતક હોવાનું કહેવુ વહેલુ ગણાશે.
- આ સમય ડરવાનો નહીં લડવાનો છેઃ વાઘાણી
ગુજરાતના કેન્દ્રીય મંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે, આ સમય ડરવાનો નહીં પરંતુ લડવાનો છે. એસઓપીનું ચુસ્ત પાલન કરવામાં આવશે. સરકાર જાગૃત હતી એટલે જ પહેલાથી જ તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેને સારવાર આપવામાં આવી રહી છે.