
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને ભ્રષ્ટાચારના કેસમાં વધુ ચાર દિવસના રિમાન્ડ અપાયા
અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં પોલીસે લાંગાને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ તેમના કાર્યકાળ દરમિયાન જમીનો એનએ કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો ઊઠ્યા બાદ બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ એટલે કે બે મહિના બાદ રાજસ્થાનથી લાંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો તે પૂર્ણ થતાં પોલીસે એસ.કે.લાંગાના ફરી વધારાના રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજુ કર્યો હતો. ફર્ધર રિમાન્ડની માગણી દરમિયાન જણાવ્યું હતું કે, આરોપીના રિમાન્ડ દરમિયાન પોતાની પાસે રહેલી ગાડીની ડેકીમાં સંતાડેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે ચેક કરતા તેમાં ઘણા વ્યવહારો તથા સંપર્કો કોડવર્ડની ભાષામાં થયેલા હોવાનું જણાયેલ છે. તમામ ચેક/કેસના વ્યવહારો લખેલ હોય ઉપરાંત જમીનને લગતા ઘણા ભાવ પણ કોડવર્ડમાં લખેલ છે. જેની સાચી કિંમત જાણવા તથા ઘણા દસ્તાવેજો પણ સોફ્ટ ડેટા સ્વરૂપે મળી આવેલ છે. જે તમામ વિગતો જાણવા આરોપીની પ્રત્યક્ષ હાજરી જરુરી હોવાનું જણાવી વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના વધુ રિમાન્ડ મંજૂર થયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ થતાં સીટની એક ટીમ દ્વારા ત્યા તપાસ કરવામાં આવી હતી. આરોપીએ પોતાના પાસેની બેગો અને અન્ય સામાન બંગલામાં સંતાડી દીધેલ હતો. જે આરોપીના પકડાયા બાદ બંગલામાં કામ કરતો શખ્સ અમદાવાદ લાવ્યો હતો. જે સામાન બાબતે માઉન્ટ આબુ ખાતે તપાસમાં ગયેલી ટીમ સાથે રાખી આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતુ કે, આ સામાનમાં બે મોટી લોકવાળી બેગ અને કપડા હતા. આ બેગોમાં બે સ્માર્ટ મોબાઈલ, થોડાક સીમકાર્ડ, હિસાબોના લખાણવાળી ડાયરી, આશરે સાત લાખ રોકડા અને આશરે 2000 અમેરિકન ડોલર રાખેલ હતા. આ ઉપરાંત અન્ય ઘણી ચીજવસ્તુઓ હોય શકે છે. જે તેમને હાલ યાદમાં નથી.