
ગાંધીનગર: ઓબીસી અનામત બચાવો મુદ્દે કોંગ્રેસના નેતાઓની મળી બેઠક,સરકારને ઘેરવાનો પ્રયાસ
ગાંધીનગર: છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ દ્વારા હવે સરકારને ઘેરવા માટે ફરી એકવાર નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વખતે કોંગ્રેસના નેતાઓની આગેવાની હેઠળ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક બેઠક યોજવામાં આવી જેમાં ઓબીસી અનામત બચાવો મુદ્દે ચર્ચા કરવામાં આવી.
આ બાબતે વધારે વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો ઓબીસી રાગ મહત્વપૂર્ણ બની જાય છે. રાજ્ય સરકાર પાસે રણશિંગુ ફૂંકી આગામી 14 ઓગષ્ટના રોજ ઉપવાસ કરી આંદોલન શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓબીસી અનામત બચાવો દ્વારા ચાર મુદાઓ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્ય સરકાર દ્વારા 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાંથી અસ્તિત્વ જ ખતમ કરી નાંખવા અનામત નાબૂદ કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને ઓબીસી સમાજના મોટા નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આજે 52% ઓબીસી અનામતની વસ્તી છે. OBC સમાજનું રાજકીય અસ્તિવ ખતમ કરવાનો ભાજપે કારસો ઘડ્યો છે.
જો કે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી 2022માં જે રીતે કોંગ્રેસને ગુજરાતમાં હાર મળી છે તેનાથી તેમને પણ જાણ થઈ ગઈ હશે કે ગુજરાતમાં ભાજપને ઘેરવા માટે અને જનતાનો વિશ્વાસ જીતવા માટે તેમણે હવે વધારે મહેનત કરવી પડશે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી.