ગાંધીનગર કોર્પોરેશનઃ પેથાપુરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને રહેણાંક વિસ્તાર જાહેર કરવા માટેની દરખાસ્ત મુકાઈ
અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી ખાતે મેયર હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી ખાતેની પ્રથમ વખતની સામાન્યસભા ખુબ હકારાત્મક માહોલમાં યોજાઈ હતી. મેયર હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્યસભામાં તેમના આગ્રહથી સૌ પ્રથમ એક મિનિટનું મૌન પાળીને તૂર્કીમાં ભૂકંપથી મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મેયર હિતેશ મકવાણાએ G20 સમિટનું યજમાન પદ ભારતને મળવા બદલે પીએમ મોદી તેમજ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, G20ની યજમાની આપણા દેશ માટે ગૌરવની વાત છે. G20ના આયોજનને કારણે દેશનું નામ દુનિયાભરમાં રોશન થશે.
મેયરે સામાન્ય સભાની શરૂઆત કર્યા બાદ કાર્યવાહીસૂચિ મુજબના વિષયો અંગે હકારાત્મક માહોલમાં મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાર્યસૂચિમાં સામેલ 13 પૈકી 12 વિષયોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી જ્યારે વિષય નંબર 10 મિલકત વેરામાં વધારાની બાબતે ચર્ચા કરીને નવો વધારો સૂચવવામાં આવ્યો. મિલકતવેરાના સામાન્ય દરોમાં રહેણાક મિલકતોમાં રૂપિયા 5/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 1.25/- પ્રતિ ચો.મી.નો વધારો કરવામાં આવ્યો. જ્યારે બિનરહેણાક મિલકતોમાં રૂપિયા 10/- પ્રતિ ચો.મી.ના સૂચિત વધારાને બદલે માત્ર રૂપિયા 2.25/- પ્રતિ ચો.મી. કરવામાં આવ્યો. કાર્યસૂચિ ઉપરાંત કાઉન્સિલર અનિલસિંહ વાઘેલા દ્વારા પેથાપુરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને રહેણાંક વિસ્તાર જાહેર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેથાપુરના કેટલાક વિસ્તારને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં રહેણાક, વાણિજ્ય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે તેમજ તે હરિયાળો વિસ્તાર છે તથા ઇન્ડસ્ટ્રિયલ ઝોન જાહેર કર્યા બાદથી અહી કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ થતી નથી. જેથી આ વિસ્તારને રહેણાક વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે. અનિલસિંહ વાઘેલાની રજૂઆતને સભાઅધ્યક્ષ મેયર હિતેશ મકવાણા દ્વારા આવકારવામાં આવી હતી તથા અન્ય કાઉન્સિલરો દ્વારા તેમને ટેકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, મેયરે જણાવ્યું હતું કે, આપની દરખાસ્તને સામાન્યસભામાં ગ્રાહ્ય રાખવામાં આવી છે પરંતુ આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર હોવાથી સામાન્યસભા વતી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.