
મુંબઈ:સોના અને ચાંદીની ખરીદીને આપણી સંસ્કૃતિમાં પહેલાથી જ સારુ ગણવામાં આવે છે, લોકો સોનાની ખરીદીને સુખનું સાથી અને દુખનું ભાથુ એ રીતે જોતા હોય છે, એટલે કે સુખના સમયમાં તે તમારી શોભા વધારે છે તો દુ:ખના સમયમાં તે તમારુ સાથી બને છે. જો આજના દિવસમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો, આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.14 ટકાના વધારા સાથે 58,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.26 ટકાના વધારા સાથે 73,417 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
આ ઉપરાંત પણ જો વાત કરવામાં આવે ખરા સોનાની તો તેના માટે પણ સરકાર દ્વારા એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેમાં કે, તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો, આ એપ્લિકેશનનું નામ છે ‘BIS Care app’ જેના મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે.
આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.