1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, વાહનોની લાંબી કતારો, ખેડુતોને નવો માલ ન લાવવા સુચના
ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, વાહનોની લાંબી કતારો,  ખેડુતોને નવો માલ ન લાવવા સુચના

ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, વાહનોની લાંબી કતારો, ખેડુતોને નવો માલ ન લાવવા સુચના

0
Social Share

ગોંડલઃ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતનું સૌથી મોટું ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રોજબરોજ કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે. યાર્ડમાં કૃષિ ઉપજનો સારો ભાવ મળતો હોવાથી માત્ર રાજકોટ જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડુતો ખેત ઉપજ વેચવા માટે આવે છે.યાર્ડમાં સોમવારથી ધાણાની આવક શરૂ કરાતા વહેલી સવારથી જ ગામેગામના ખેડુતો લીલા ધાણા વેચવા માટે ઉમટી પડ્યા હતા. ધાણાની ધૂમ આવકથી માર્કેટ યાર્ડ ઊબરાઈ ગયું હતું. બીજી બાજુ રાડની બન્ને સાઈડ ધાણા ભરેલા ટેમ્પા, ટ્રેકટરો-ટ્રકોની લાંભી લાઈનો લાગી ગઈ હતી. આથી યાર્ડના સત્તાધિશોએ ખેડુતોને બે-ત્રણ દિવસ નવો માલ ન લાવવા અપિલ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં  ગઈકાલે સોમવારથી ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. ધાણા લેવાશે તેવી જાહેરાત થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો સવારથી યાર્ડની બહાર પહોંચી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. યાર્ડની બહાર બંને બાજુ 3 થી 4 કિલોમીટર લાંબી અને અંદાજે 1400થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. યાર્ડમાં અંદાજે સવા લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1000 થી 1650 બોલાયા હતા. બીજી તરફ જ્યાં સુધી યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ગોંડલ યાર્ડ પર વિશ્વાસ છે, અને સત્તાધીશો બહારથી આવતા ખેડૂતો હેરાન ન થાય તેની પૂરતી કાળજી રાખે છે. ધાણાની ગત વર્ષમાં 10 હજાર ગુણીનો નિકાલ થયો હતો. જે આ વર્ષે શરૂઆતમાંથી જ દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલ કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code