
અમદાવાદઃ ગુજરાત નજીક આબુ રોડ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના વડા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આબુ રોડ સ્થિત શાંતીવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર દ્વારા રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે.
બ્રહ્મા કુમારિઝના ડિરેક્ટર ઇન્ફર્મેશન બી.કે. કરુણાએ જણાવ્યું હતું કે, રાજ્યયોગિની દાદી હૃદયમોહિનીજીની તબિયત થોડા સમયથી બરાબર નહોતી. તેની મુંબઈની સૈફી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
રાજયોગિની દાદી હૃદય મોહિનીજીને દાદી જાનકીજીના દેહાવસાન બાદ બ્રહ્માકુમારી સંસ્થાનના નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદ કરાયા છે. આબુરોડ સ્થિત સંસ્થાન આવ્યા પહેલા તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ તથા દિલ્હીમાં ઈશ્વરીય સેવા કરતા હતા. તેમનો જન્મ અખંડ ભારતના પાકિસ્તાનમાં થયો હતો અને 9 વર્ષની ઉંમરથી બ્રહ્માકુમારી સંસ્થાન સાથે જોડાયા હતા.
એર એમ્બ્યુલન્સથી તેમના પાર્થિવદેહને બ્રહ્માકુમારીના અબુ રોડ સ્થિત આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે લવાશે. દાદીજીનો પાર્થિવ દેહ આવતીકાલે અંતિમ દર્શન માટે રખાશે.13 માર્ચે માઉન્ટ આબૂના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજયોગિની દાદી હૃદયમોહિનીજીના નિધનથી ભારત સહિત વિશ્વના 140 દેશોમાં સ્થિત સંસ્થાના સેવા કેન્દ્રો પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા. છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે અને મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ સહિત રાજકીય મહાનુભાવો અને વિવિધ સંસ્થાના વડાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.