સોમનાથ મંદિર પ્રત્યે વધતી જતી આસ્થા: ગુગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અમદાવાદ, 13 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ચેતના અને આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિર પ્રત્યે લોકોની રુચિ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અભૂતપૂર્વ રીતે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends) ના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં સોમનાથ મંદિર માટેની ઓનલાઇન શોધ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2004 થી 2025 સુધીના ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે તાજેતરના મહિનાઓમાં સોમનાથ મંદિર વિશે જાણવાની લોકોની ઉત્સુકતામાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી 2004 થી 2010 સુધી સોમનાથ મંદિર માટેની શોધ મર્યાદિત અને સ્થિર હતી, જોકે, 2010 પછી તેમાં ધીમે-ધીમે વધારો થયો હતો. પરંતુ વર્ષ 2024 ના અંત અને 2025 ની શરૂઆતમાં આ આંકડો અચાનક ઉછળીને સર્વોચ્ચ લોકપ્રિયતા પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.
નિષ્ણાતો આ ઉછાળાને સીધી રીતે ‘મોદી પ્રભાવ’ સાથે જોડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ અને અન્ય તીર્થસ્થળોના વિકાસ માટેના નિવેદનો, રાષ્ટ્રીય કક્ષાના આયોજનો અને ધાર્મિક પ્રવાસન પર અપાયેલા ભારને કારણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા વધી છે.
સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે અને સદીઓથી શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ ગુગલના ડેટા સાબિત કરે છે કે હવે આ આસ્થા માત્ર ભૌતિક રૂપે જ નહીં, પરંતુ ડિજિટલ વિશ્વમાં પણ મજબૂત રીતે પ્રતિબિંબિત થઈ રહી છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે વધતી જતી જાગૃતિનો આ એક સ્પષ્ટ પુરાવો છે.


