
ગાંધીનગરઃ જિલ્લાના કલોલ – નારદીપુર રોડ પરથી રાજસ્થાન તરફ ગેરકાયદેસર ગુટખાનો લાખો રૂપિયાનો મસમોટો જથ્થો ફેકટરીથી લઈને નીકળેલી ત્રણ ટ્રકોને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા ગુટખાના ગેરકાયદેસર કારોબાર પર સ્ટેટ મોનીટરીંગની કાર્યવાહીથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના નાના મોટા વેપારીઓ ફફડી ઉઠ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુટખાનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કે .ટી.કામરીયાનાં સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા ગાંધીનગર નારદીપુર રોડ ઉપર ખાસ ઓપરેશન હાથ ધરીને ત્રણ ટ્રકોમાંથી ગેરકાયદેસર મહેંક સિલ્વરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હોવાનો જિલ્લામાં મેસેજ ફરતો થતાં જ બુટલેગરો પણ ફફડી ઉઠયા હતા. જો કે સિલ્વર ગુટકાનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવતાં બુટલેગરો તેમજ સ્થાનિક પોલીસે પણ રાહત અનુભવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્ટેટ મોનીટરીંગની ટીમને બાતમી મળી હતી કે મહેંક સિલ્વરની ફેકટરીમાંથી જીએસટી બીલો વિનાનો વિપુલ માત્રામાં ગેરકાયદેસર જથ્થો અગાઉથી આયોજન બદ્ધ અલગ અલગ ટ્રકોમાં ભરીને ગાંધીનગરથી રાજસ્થાન તરફ જવાનો છે. જેનાં પગલે ટીમ દ્વારા નારદીપુર રોડ પર વોચ ગોઠવીને ત્રણ ટ્રકોને ઝડપી પાડી તલાશી લેતાં અંદરથી મહેંક સિલ્વરનો જથ્થો તેમજ ચાંદીના સિક્કાનો જથ્થો જે કંપનીની સ્કીમ મુજબ વેપારીઓને આપવામાં આવે છે, એ પણ મળી આવતાં ડ્રાઇવર ક્લીનરોની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જો કે ટ્રકોમાં ભરેલો જથ્થો જીએસટી બિલ વિના જ કંપનીમાંથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવાતો હોવાથી ટૅક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેંક સિલ્વરનો ગેરકાયદેસર જથ્થો ફેકટરીથી ટ્રકોમાં ભરીને લઈ જવાતો હતો. હાલમાં મુદ્દામાલની ગણતરી ચાલુ છે. પણ જીએસટી ચોરીનું મોટું કૌભાંડ હોવાનું નકારી શકાય એમ નથી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ગુટખાના ચાલતા સુવ્યવસ્થિત કારોબારનો પર્દાફાશ થતાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના નાના મોટા ગુટખાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.(file photo)