
ગુજરાતમાં મોબાઈલ વેપારીઓ ઉપર જીએસટીના સામગટે દરોડા
અમદાવાદઃ રાજ્યમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરનારાઓને ઝડપી લેવા માટે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સહિત સાત શહેરોમાં લગભગ 79 સ્થળો ઉપર મોબાઈલ ફોનના મોટા વેપારીઓ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રૂ. 22 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ હતી. બિલ વગર વેચાઈ રહેલા મોબાઈલ પર લગામ કસવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં લગભગ 57 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડા અંતે કરોડોની ટેક્સ ચોરી ઝડપાવવાની શકયતા છે. જીએસટી વિભાગના દરોડાને પગલે મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં મોબાઇલના વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કરચોરી કરવામાં આવતી હોવાની જીએસટી વિભાગને બાતમી મળી હતી. જેથી જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ, જુનાગઢ, મહેસાણા અને વડોદરામાં લગભગ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડતા મોબાઈલ ફોનના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ રેડ દરમિયાન 500 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં હતા. તેમજ રૂ. 22 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફશ કર્યો હતા. જીએસટી વિભાગ દ્વારા ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક ડોક્યુમેન્ટો જપ્ત કરાયા હતા અને તેની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જીએસટી વિભાગની તપાસના અંતે કર ચોરીનો આંકડો વધવાની શકયતા છે.