
ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી તેના નિર્ધારિત સમયે યોજાશે કે વહેલી યોજાશે તેની અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં પણ તેના નિર્ધારિત સમયે જ યોજાશે ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપના જ બે નેતાઓના અલગ નિવેદનોને લઈ ચર્ચા જાગી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ મહિનામાં યોજવાની છે, એવું નિવેદન સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. અને આગામી 5થી 6 મહિનામાં જ ચૂંટણી આવશે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું. અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. પરંતુ આજે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન સામે આવ્યું છે. પહેલાં ભારતના ચૂંટણી પંચ અને હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે.
રાજ્યમાં વિજય રૂપાણીની વિદાય પછી નવી સરકારનું આગમન થતાં જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થશે તેવી અટકળો વહેતી થઇ હતી. બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બીજા રાજ્યોની ચૂંટણી થવાની છે તેની સાથે ગુજરાતની ચૂંટણી થશે પરંતુ જે તે સમયે કેન્દ્રીય ચૂંટણી પંચે ઇનકાર કરતાં કહ્યું હતું કે અમે ગુજરાતની ચૂંટણી અન્ય રાજ્યો સાથેની ચૂંટણી સાથે કરવાના નથી, કેમ કે અમારી તૈયારી નથી.