
ગુજરાત સરકાર OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં દુર કરી રહી છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-1993 થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહીં. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. આમ ગુજરાત સરકાર ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ જ સ્થાનિક સંસ્થાઓમાંથી દર કરી રહી છે, તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ રહી છે. વર્શ 2021 ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC રીઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. સદર કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે 19 જાન્યુઆરી, 2022ના રોજ દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. આ આદેશને છ માસ જેટલો સમય વીતી જવા છતાં ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઈ કાર્યવાહી કરી નથી. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગુજરાતમાં આશરે 3,252 ગ્રામ પંચાયતોમાં 10 ટકા OBC અનામતનો લાભ મળશે નહીં અને OBC સમાજને તેનો ભોગ બનાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ વસ્તીના 52 ટકા જેટલી OBC સમાજની વસ્તી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી દૂર થશે. રાજ્ય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. આવા નિર્ણયો કરીને રાજ્ય સરકાર OBC સમાજને હાંસિયામાં ધકેલી દેવા માંગે છે કે કેમ ? રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે અને OBC સમાજને અન્યાય ન થાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને તેની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને 3,252 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. અનામત નાબૂદ કરવાની ભાજપાની નીતિ સામે આક્રમકતાથી લડત આપશે.