
ગુજરાતઃ ગુજકેટની પરીક્ષાની હોલ ટીકીટ જાહેર કરાઈ, વિદ્યાર્થીઓ કરી શકશે ડાઉનલોડ
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની એકાદ બે વિષયની પરીક્ષા બાકી રહી છે. બીજી તરફ હાલ પરીક્ષાના પેપર તપાસવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લોકસભાની ચૂંટણીને પગલે આ વર્ષે બોર્ડનું પરિણામ વહેલુ જાહેર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આગામી 31મી માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેની હોલ ટિકીટ ડાઉનલોડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ઓળખનો પુરાવો સાથે રાખવો ફરજિયાત જણાવાયું છે
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજકેટ-2024ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી Download કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2024 માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ (પ્રવેશિકા) Search કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશો. ગુજકેટ-2024 માટેના એડમિશન કાર્ડ (પ્રવેશિકા /Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યઓના સહી સિક્કા કરાવવાની જરૂર નથી.
ગુજકેટ-2024 પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) સાથે કોઇ પણ એક ફોટો આઇ.ડી પ્રૂફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષાની હોલટીકીટ) સાથે લઇ જવાનું રહેશે.