ગુજરાત ઠંડુગાર: નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ નગર બન્યું
અમદાવાદ, 6 જાન્યુઆરી 2026: રાજ્યમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ 2 ડિગ્રીએ પહોંચતા તેની સીધી અસર ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોવા મળી રહી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું, જે અગાઉના દિવસ કરતા 3.3 ડિગ્રી ઓછું છે. ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પ્રભાવિત થયું છે. ગાંધીનગરમાં પણ પારો 10.8 ડિગ્રી સુધી નીચે ઉતરી જતા લોકોએ વહેલી સવારથી જ ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. નલિયામાં 7, કંડલા એરપોર્ટ ખાતે 9.4, કેશોરમાં 10.4, ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ડીસામાં 11.4 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
સૌરાષ્ટ્રના રાજકોટ અને કેશોદમાં પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, જેના કારણે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના ડીસા અને દાહોદમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. કંડલા એરપોર્ટ પર પણ 9.4 ડિગ્રી તાપમાન રહેતા વાહનચાલકોને વહેલી સવારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં સવારે 8.30 કલાકે 13.4, વડોદરામાં 13.6 ડિગ્રી, ભાવનગરમાં 14.8, ભૂજમાં 11.4, દાહોદમાં 11.1, ડીસામાં 11, ગાંધીનગરમાં 11.2, નલિયામાં 7.5 અને રાજકોટમાં 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. લઘુત્તમ તાપમાનમાં હજુ પણ થોડો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે પવનની ગતિ વધતા ઠંડી વધુ આકરી લાગે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગે પણ વૃદ્ધો અને બાળકોને ઠંડીથી બચવા અને પૂરતા ગરમ કપડાં પહેરવા સૂચના આપી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની અદાલતોને RDX થી ઉડાવી દેવાની આતંકી ધમકી, પોલીસ દોડતી થઈ


