
અમદાવાદઃ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે રાજયકક્ષાના પશુપાલન મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમા વધુ ત્રણ અધ્યતન મકાનોના ઇ-લોકાર્પણ કર્યા હતા. અમદાવાદના મકરબા ખાતે પશુપાલન સંકુલ, સુરતના માંડવી ખાતે બુલ મધર ફાર્મ તેમજ સુરત ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નવનિર્મિત મકાનના આજે ઇ-લોકાર્પણ મંત્રીના કાર્યાલયમાંથી કરવામાં આવ્યા છે. આ પ્રસંગ્રે તેમમે કહ્યું હતું કે, 460 મોબાઇલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 23 લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે અત્યાર સુધીમાં કુલ 3.70 લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.
કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીઇ પટેલે ઇ-લોકાર્પણ કરતા કહ્યુ કે, આજે લોકાર્પણ થયેલા સુવિધાસભર નવનિર્મિત મકાનોથી રાજ્યમાં પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધન સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. સુરત જીલ્લામાં રૂ. 231.42 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાન “ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી”નુ આજે ઈ-લોકાર્પણ થયું જેના થકી પશુઓમાં કૃત્રિમ બીજદાન અને જાતીય આરોગ્ય કેમ્પની અગત્યની કામગીરી થશે. તે ઉપરાંત સુરતના માંડવી ખાતે મહેસાણી ભેંસો માટે રૂ. 807.50 લાખના ખર્ચે તૈયાર થયેલ નવિન બુલ મધર ફાર્મનો મુખ્ય હેતુ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારમાં પશુઓલાદ સુધારણાનો છે. જેમાં અંદાજે 300 પશુઓનાં વૈજ્ઞાનિક ઢબે નિભાવ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અમદાવાદના મકરબા ખાતે રૂ. 1302 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુપાલન ભવન ખાતે 100થી વધુ અધિકારી-કર્મચારી માટેની બેઠક વ્યવસ્થા ઉપરાંત કોન્ફરન્સ હોલ (ડાઈનીંગ હોલ સાથે) વેકસીન કોલ્ડ સ્ટોરેજ તથા રેકર્ડ સાચવણી માટે કોમ્પેકટર સહિતની સુવિધા ઉભી કરવામા આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પશુપાલન એ કૃષિ સાથે જોડાયેલો અભિન્ન વ્યવસાય છે. રાજયના પશુપાલકોને મદદરૂપ થવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો હાથ ધર્યા છે. વર્ષ 2002 થી શરૂ થયેલા પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 67600થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓના આયોજન દ્વારા 2.75 કરોડથી વધુ નિ:શુલ્ક ૫શુ સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા છેલ્લાં પાંચ વર્ષમાં 10 નવીન વેટરીનરી પોલીક્લીનીક્સ અને 1 નવીન પશુ રોગ અન્વેષણ એકમ સ્થાપવામાં આવ્યા છે.
પશુપાલકોને ગામબેઠાં પશુ સારવાર સેવાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 4500 થી વધુ ગામોને આવરી લઇ 460 મોબાઇલ પશુદવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે, આ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 23 લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી છે. આકસ્મિક પશુ સારવાર તેમજ માલિક વિહોણા પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ કુલ 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે ઓક્ટોબર, 2017 થી અત્યાર સુધીમાં કુલ 3.70 લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.