
- ગુજકેટનું પરિણામ આજે થશે જાહેર
- 1.12 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
- result.gseb.org પર જાહેર થશે પરિણામ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ લેવામાં આવેલી ગુજકેટનું પરિણામ આજે શનિવારે સવારે 10 કલાકે બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી ગુજકેટ માટે કુલ 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી પરીક્ષામાં 1.12 લાખ વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભુલ હોવાથી તેના 2 ગુણ આપવાનું નક્કી કરાયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાંથી પ્રથમ સેશનમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન માટે 117987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, પરીક્ષા વખતે 112816 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં વિદ્યાર્થીઓની હાજરી 95.62 ટકા જેટલી રહી હતી. ત્યારબાદ બીજા સેશનમાં જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 69939 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને પરીક્ષા વખતે 67249 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ત્રીજા સેશન ગણિતમાં સમગ્ર રાજ્યમાંથી 48654 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને પરીક્ષા વખતે 46216 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, સ્કૂલ, કોલેજો તથા ક્લાસિસ બંધ તથા વિદ્યાર્થીઓના ભણતરને ક્યાંક થોડા અંશે અસર થઈ હતી. જો કે હવે સ્થિતિ સામાન્ય થતા સરકાર દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓને ભણતરમાં આવતી તકલીફમાં રાહત મળી છે.