નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Hamas-Israel war કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ તેના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે મુલાકાત હતી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ રહસ્યમય ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી.
- ઈરાનમાં એક કાર્યક્રમમાં થઈ હતી મુલાકાત
તેમણે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે ઈરાનના નવા પ્રમુખ મસુદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા તેહરાન ગયા હતા. શપથ ગ્રહણ પહેલાં તેહરાનની એક ફાઈવ સ્ટાર હોટલમાં વિવિધ દેશોના વડાઓ અને મહાનુભાવો ચા-કોફી પર અનૌપચારિક રીતે ભેગા થયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ત્યાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર હતા, પરંતુ એક વ્યક્તિ જે રાષ્ટ્રાધ્યક્ષ નહોતા છતાં ત્યાં હાજર હતા, તે હતા હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા. મેં ત્યાં તેમની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમને રાષ્ટ્રપતિ તથા મુખ્ય ન્યાયાધીશ સાથે શપથ ગ્રહણ સમારોહમાં જતા પણ જોયા હતા.”
ઘટનાની ગંભીરતા વિશે વાત કરતા ગડકરીએ જણાવ્યું કે, શપથ ગ્રહણ બાદ તેઓ પોતાની હોટલ પર પરત ફર્યા હતા. પરંતુ વહેલી સવારે લગભગ 4 વાગ્યે ઈરાનમાં ભારતીય રાજદૂત તેમની પાસે આવ્યા અને તાત્કાલિક ત્યાંથી નીકળવા જણાવ્યું હતું. ગડકરીએ જ્યારે પૂછ્યું કે શું થયું? ત્યારે જાણવા મળ્યું કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી છે. આ સમાચાર સાંભળીને ગડકરી પોતે પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
હાનિયાની હત્યા કેવી રીતે થઈ તે આજે પણ એક કોયડો છે. ગડકરીએ આ અંગે કહ્યું કે, “આજ સુધી કોઈને ખબર નથી કે તેની હત્યા કેવી રીતે થઈ. કેટલાક કહે છે કે મોબાઈલ ફોન ટ્રેકિંગને કારણે તેને નિશાન બનાવાયો, તો કેટલાક અન્ય થિયરી આપે છે.”*
આ પ્રસંગે નીતિન ગડકરીએ ઈઝરાયેલનું ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ દેશ ખરેખર મજબૂત હોય તો કોઈ તેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી. ઈઝરાયેલ એક નાનો દેશ હોવા છતાં તેની ટેકનોલોજી અને સૈન્ય શક્તિના દમ પર આજે વિશ્વભરમાં પ્રભાવ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ટેકનોલોજી અને આત્મનિર્ભરતા અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા


