
ભારતના પંજાબમાં પાકિસ્તાને મોકલ્યા હેન્ડ ગ્રેનેડ, ભારતીય સેનાએ શરુ કર્યુ સર્ચ ઓપરેશન
દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની ઘુસણખોરો સામે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન ભારતમાં બેઠેલા દેશવિરોધી તત્વોને હથિયારો પહોંચાડવા માટે પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પંજાબના ગુરૂદાસપુર જિલ્લામાંથી 11 જેટલા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં હતા. આ હેન્ડગ્રેનેટ પાકિસ્તાનના ડ્રોન મારફતે ફેંકવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પોલીસ અને સુરક્ષા જવાનોએ હાલ સર્વે શરૂ કર્યો છે. તેમજ બીએસએફ દ્વારા દોરંગલા વિસ્તારના ચકરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને પકડવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પંજાબના ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનથી મોકલાયેલા ડ્રોન ગત રાત્રે બીઓપી ચકરી બીએસએફ ચોકી નજીક ઉડતું જોયું હતું. જેથી બીએસએફના જવાનોએ તાત્કાલિક એલર્ટ જારી કર્યું હતું. તેમજ ચકરી પોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરમિયાન, સલાચ ગામના એક ખેતરમાં ડ્રોનમાંથી ફેંકેલું લાકડાનું પેકેટ મળી આવ્યું હતું. તેમાં 11 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. બીએસએફના જવાનો અને પોલીસે પાકિસ્તાની ડ્રોનની શોધખોળ શરૂ કરી હતી. તેમજ આ વિસ્તાર ગામ મીયાની, સલાચ, ચકરી પોસ્ટ ની આજુબાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીએસએફ સેક્ટર ગુરદાસપુરના ડીઆઈજી રાજેશ શર્માના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા બે મહિનામાં દસ ડ્રોન મોકલવામાં આવ્યા છે. પરંતુ અમે તેમના ઇરાદાઓને ક્યારેય સફળ થવા નહીં દઈશું.