
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ જેટલા ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ગામના તળાવોને નજીકમાંથી પસાર થતી નર્મદાના કેનાલથી ભરવાના સંદર્ભે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં સરકારે તળાવ ભરવા માટે પાઈપલાઈનના કામોના ટેન્ડર જારી કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આથી કોર્ટે ઓથોરિટીને પાઈપલાઈન નાખવાનું કામ જલ્દી પતાવવા સૂચન કર્યું હતું. કામ વ્યવસ્થિત ના થતું હોય તો અરજદાર કોર્ટનો સંપર્ક કરી શકશે. કોર્ટે આ સાથે અરજીનો નિકાલ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં સુરેન્દ્રનગરના ડોક્ટર મુકુંદભાઈ વાણિયા સહિત ચાર અરજદારોએ એડવોકેટ જી.આર. માનવ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી હતી કે, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખારાઘોડા, સવાડા, ચિક્સર, પાટડી અને ઓડુ ગામમાં પાણીની તંગી છે. આ પાંચ ગામની વચ્ચે એક જ તળાવ છે. જેનો ઉપયોગ ગ્રામજનો અને ઢોરના પીવાના પાણી તેમજ અન્ય વપરાશ માટે કરાતો હતો પરંતુ આ પાંચ ગામ જ્યાંથી પાણી મેળવે છે તે મોટા તળાવમાં પૂરતું પાણી બચ્યું નથી. જેથી નર્મદાનું પાણી નજીકની કેનાલ મારફતે લાવીને આ તળાવ ભરવામાં આવે. તળાવમાં પાણી ખાલી થવાથી ગ્રામજનો અને પશુઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારની અરજીને ધ્યાને લઈને હાઇકોર્ટે સંલગ્ન સરકારી વિભાગોને નોટિસ પાઠવી હતી.
સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિતમાં જવાબ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.આ સંદર્ભે કોર્ટમાં ઓથોરિટી દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, જમીનમાં પાઈપ નાખીને મોટા તળાવને પાણીથી ભરવાનું નક્કી કરીને ગત તા. 16 માર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ઓડુ વોટર ડિસ્ટ્રીબ્યુટરથી આ તળાવ એક કિલોમીટર દૂર છે. જ્યારે અરજદારે જે કેનાલમાંથી પાણી આપવાનું સૂચવ્યું છે તે તળાવથી 17 કિલોમીટર દૂર છે. દરમિયાન અરજદારે એવી રજુઆત કરી હતી કે, મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં પાણી પહોંચાડવા માટે 417 કરોડ રૂપિયા ખર્ચ માટે ફાળવ્યા હતા. પણ તેમાં તેમના તાલુકાનો સમાવેશ થતો નથી. ચોમાસામાં કરોડો લીટર પાણી કચ્છના રણમાં વહી જાય છે. અમે ઓથોરિટી સમક્ષ અનેકવાર રજૂઆત કરી હતી. પાટડી નજીક હોવા છતાં પાણીની તકલીફ રહે છે. કોર્ટે અરજદારને કહ્યું હતું કે, વરસાદના પાણીનો તમારે સંગ્રહ કરવો જોઈએ. તમે ફક્ત અરજી કરીને સંતોષ માની શકો નહિ. કોર્ટે ઓથોરિટીને પાઈપલાઈન નાખવાનું કામ જલ્દી પતાવવા સૂચન કર્યું હતું. કામ વ્યવસ્થિત ના થતું હોય તો અરજદાર કોર્ટનો સંપર્ક કરી શકશે. કોર્ટે આ સાથે અરજીનો નિકાલ કર્યો હતો.