
અરવલ્લીનો ઈતિહાસ – પ્રકૃતિનું સુંદર રીતે વર્ણન કરતો જિલ્લો, જેની ગિરિમાળાઓ પણ છે પ્રખ્યાત
શામળાજી એટલે કાળીયા ઠાકોરનું તીર્થધામ એટલે કે અરવલ્લી જિલ્લો, આ જિલ્લામાં આવેલી ગિરિમાળાઓ કે જે જિલ્લાની સુંદરતામાં ચારચાંદ લગાવે છે. આ જિલ્લો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.
ફરવાલાયક સ્થળોમાં અરવલ્લીનું શામળાજી તો લોકોને ખુબ પસંદ આવે છે. શામળાજીમાં દર વર્ષે કાર્તિકી પૂનમ / દેવ દિવાળીએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ ભવ્ય મેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલુ શામળાજી અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી વચ્ચે કુદરતી સુંદરતા ધરાવતુ અનોખું તીર્થધામ છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વર્ષ 2008-09ની ઉજવણીનાં ભાગરૂપે હાથ ધરેલ પ્રવાસન સ્થળ વિકાસન યોજના હેઠળ પ્રસિધ્ધ શામળાજી વિષ્ણું મંદિર અને તેની આસપાસનાં વિકાસ માટે રૂ. 560.12 લાખની ફાળવણી કરવામાં આવેલ છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામને આકર્ષક યાત્રાધામ તરીકે વિકસાવવા માટે કાર્યવાહિ કરવામાં આવેલ છે. બાયડ તાલુકામાં ઝાંઝરીનો ધોધ નૈસર્ગિક સૌંદર્યધામ તરીકે આગવી ઓળખ ધરાવે છે.
આ જિલ્લામાં ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે.
જિલ્લાનાં કુદરતી ખોળે વસતા વનવાસી આદિજાતી લોકોની આગવી સંસ્કૃતિ, રીત-રિવાજ, આભૂષણો અને ઉત્સવો આગવી ઓળખ ધરાવે છે. સરકારએ આદિજાતી વિસ્તાર તથા આદિજાતી લોકોનાં નબળા આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ ડગ માંડી રહ્યા છે.
વિદ્યાપુરુષ ઉમાશંકર જોષીનો જન્મ પણ ભિલોડા તાલુકાનાં બામણા ગામમાં થયો હતો અને તેઓએ સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ છે.
રેકર્ડ પ્રમોલગેશનની શરૂઆત અરવલ્લી જિલ્લાએ કરી છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. મોડાસા તાલુકાનાં ખંભીસર ગામે જિલ્લાનાં મુખ્ય સ્ટોનને લગતી માહિતી સાથે વિકસાવવામાં આવતા આ રી-સર્વેની કામગીરીને લગતું નમૂનારૂપ કેન્દ્ર બને છે.
જિલ્લાના મોડાસા તાલુકાનાં ખડોદા તેમજ ભાટકોટા ખાતે સોલાર પાર્ક ઉભો કરાયો છે. આ સોલાર પાર્ક થકી આસ-પાસનાં ગામોનાં 200થી વધુ લોકોને રોજગારીની તકો ઉભી થઈ છે. તેમજ અંદાજે 20000 ઘરોને વિજળી પૂરી પાડી શકાય તેમ છે. આ સોલાર પાર્કનો લાભ 150થી વધુ ગામોને મળશે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મહત્વની ખેતપેદાશોમાં મકાઈ, ઘઉં, ચણા, એરંડા, બાજરી, કપાસ વગેરે છે. જિલ્લામાં કુલ 06 તાલુકાનો સમાવેશ થયેલ છે. (મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ), આ જિલ્લામાં કુલ ગામો 676 છે. મહત્વનાં ખનીજોમાં ગ્રીટ, કપચી, મેટલ છે. જિલ્લામાંથી વાત્રક, મેશ્વો, માઝુમ, શેઢી, ઈન્દ્રાસી, સાકરી વગેરે નદીઓ પસાર થાય છે.