સુરત એરપોર્ટ પર ફ્લાઈટની સીટ પાછળ છુપાવેલો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
સુરત, 21 માર્ચ 2026: ડાયમંડ સિટી સુરત હવે ડ્રગ્સ માફિયાઓના રડાર પર હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ સુરત એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સતર્કતાએ એક મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એર ઈન્ટેલિજન્સ યુનિટએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સઘન તપાસ હાથ ધરી અંદાજે ૨ કિલો જેટલો કિંમતી ‘હાઈબ્રિડ’ (હાઈડ્રોપોનિક) ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં કસ્ટમ્સ વિભાગે ત્રણ મુસાફરોની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કના છેડા શોધવા તપાસ તેજ કરી છે.
કસ્ટમ્સ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ફ્લાઈટ નંબર IX-263 માં પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે વિમાનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન પેસેન્જર સીટની પાછળના ભાગે (બેકરેસ્ટમાં) અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા. કસ્ટમ્સ દ્વારા કુલ 1920.20 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત લાખોમાં હોવાનું મનાય છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો સુરતથી ડોમેસ્ટિક ફ્લાઈટ મારફતે દિલ્હી પહોંચાડવાનો પ્લાન હતો. જોકે, દિલ્હીમાં આ જથ્થો ઉતરે તે પહેલાં જ સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની બાજ નજરે આ કૌભાંડ પકડી પાડ્યું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના રહેવાસી છે અને કેરિયર તરીકે કામ કરી રહ્યા હોવાની શંકા છે.
કસ્ટમ્સ વિભાગે ઝડપાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને દિલ્હીમાં આ કન્સાઈનમેન્ટ કોણ સ્વીકારવાનું હતું, તે દિશામાં સુરત અને દિલ્હીમાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએથી આટલી મોટી માત્રામાં કેફી દ્રવ્યો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
આ પણ વાંચોઃ સુરતની આ અનોખી દુકાન વિશે જાણો છો? જુઓ VIDEO મન હોય તો માળવે પણ જવાય


