
શું તમને વારંવાર પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા છે, તો જાણો ડોક્ટર પાસેથી તેને લગતી કેટલીક ખાસ વાતો
સાહીન મુલતાનીઃ-
આજકાલની જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે જેમાં આપણે આપણા જ શરીરના અંગોનું ધ્યાન રાખવામાં કચાસ કરી રહ્યા છે,ખાસ કરીને આજે વાત કરીએ મોઢાની ,તો ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની ફરીયાદ હોય છે,જેના અનેક કારણો જવાબદાર છે,ખોરાક જીવનશૈલી બન્ને વસ્તુઓ તેમા જવાબદાર છે,આ બાબતે આજે અમદાવાદના ડેન્ડલ ડોક્ટર રિદ્ધી મજેઠીયા સાથેની વાતચીત દરમિયાન કેટલીક સમસ્યાઓ વિશે જાણકારી આપવામાં આવી છે,તો ચાલો જાણીએ પેઢામાંથી શા માટે લોહી નીકળ છે તેની સંભઆળ કઈ રીતે કરવી જોઈએ.
પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ
પેઢામાંથી લોહી નીકળતું હોય એ પેઢાનો રોગ પાયોરીયાનું મુખ્ય લક્ષણ છે. ખાસ કરીને બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળતું હોય, કયારેક આપ મેળે પણ પેઢામાંથી લોહી નીકળતું હોય, પેઢામાંથી લોહી નીકળવાની માત્રા જુદીજુદી હોઈ શકે છે.
પેઢામાંથી લોહી નીકળવાનું કારણ પેઢા પર આવેલ સોજો હોય છે અને પેઢાના સોજાનું મુખ્ય કારણ દાંત પર જામેલી છારી હોય છે, આ છારીના બંધારણમાં ૯૬ ટકા બેક્ટેરિયા હોય છે, જે પેઢાના ચેપમાં અને સોજામાં મોટો ફાળો આપે છે. આ છારીના કારણે પેઢા પર સતત સોજો રહે છે. સોજેલા પેઢાને અડવાથી, કે બ્રશ કરવાથી લોહી નીકળે છે. કયારેક આપમેળે પણ લોહી નીકળે છે. આમ,પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ પાછળ મુખ્ય ખલનાયક છારી હોય છે. દાંત પર છારી જામવાનું મુખ્ય કારણ વ્યવસ્થિત બ્રશ કરવાની બેદરકારી છે.
આ સાથે જ જમ્યા પછી ખોરાકના કણો દાંત પર જામી જાય છે અને ત્રણ-ચાર કલાક પછી તે પ્લાક બને છે. આ પ્લાક બેકટેરિયાના સમુહને રહેઠાણ પૂરું પડે છે, જેમાં બેકટેરિયાની વસ્તી ફૂલેફાલે છે. આ પ્લાક બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાય છે, પરંતુ જો દાંત પરથી પ્લાકને દુર કરવામાં ન આવે તો ચાર-પાંચ દિવસ પછી તે જામીને મજબુત છારી બને છે. એક વખત છારી જામી ગયા પછી તે બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાતી નથી એટલી મજબુત હોય છે.
આ છારી મુખ્યત્વે દાંત અને પેઢા જયા ભેગા થતા હોય ત્યાં દાંત પર જામે છે. ખાસ કરીને નીચેનાં આગળના દાંતમાં જીભ તરફ અને ઉપરના પાછળના દાંતમાં ગાલ તરફ જામે છે. આ છારી પેઢા અને દાંતના મુળીયાને જકડી રાખનાર હાડકાનો ધીમે-ધીમે નાશ કરે છે અને લાંબા સમયે દાંત નબળા પડીને હલવા લાગે છે. આ રોગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાગ્યે જ દુ:ખાવો થાય છે. કયારેક પેઢામાંથી રસી પણ નીકળે છે.
આ માટેની સારવાર શું છે જાણીએ
પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ વ્યવસ્થિત બ્રશ ન કરવાથી જામેલી છારીને કારણે થાય છે. તેથી વ્યવસ્થિત બ્રશ કરવું અતી જરૂરી છે. દાંતના નિષ્ણાંત ડોક્ટર પાસે અલ્ટ્રાસોનીક સ્કેલર દ્વારા જામેલી છારી દુર કરાવવાથી પાયોરીયા, લોહી નીકળવાની તકલીફ અટકાવી સકાય છે.
પેઢાની કરો આ રીતે માવજત
દરેક વખતે ભોજન પછી વ્યવસ્થિત બ્રશ કરવું જરૂરી છે. બે ભોજન વચ્ચે નાસ્તા તરીકે ચીકણા ગળ્યા ખાદ્યપદાર્થો લેવા નહિ. દર છ મહીને કે વર્ષે તમારા ફેમીલી દાંતના ડોક્ટરની મુલાકાત લો અને જો દાંત પર છારી જામી ગયેલ હોય તો તે દુર કરાવો. જો દાંત આડાઅવળા કે વાંકાચૂંકા હોય તો છારી જામવાની શક્યતા વધારે રહે છે.