
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારથી નારાજ થયેલા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલીને સરકાર સમાધાન કરી રહી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નોનો નિવેડા લવાયા બાદગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈ આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરી દીધું છે તેમજ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓની 15 માંથી 14 માંગણીઓ પુર્ણ કર્યા બાદ વધુ એક મોટો નિર્ણય કરીને આંગણવાડી કર્મચારીના વેતનમાં વધારો કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આગણવાડી કર્મચારીઓના વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. આંગણવાડી કર્મચારી બહેનોનું હાલનું વેતન 7800થી વધારી વેતન 10 હજાર કરાયું છે. આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં 2200નો વધારો કરવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી જણાવ્યુ છે કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વતનમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.2200નો વધારો કરીને રૂ.10,000 માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ 3950 માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.1550નો વધારો કરીને હવે રૂ. 5500 ચૂકવવામાં આવશે. આ માટે રાજય સરકાર રૂ. 230.52 કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,229 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનોને લાભ થશે.