
- પંજાબમાં શાળાઓ ફરી થશે શરૂ
- કાલે ધો. 5 થી 12 ના વર્ગો શરૂ
- શિક્ષણમંત્રીએ જારી કર્યો આદેશ
ભટીંડા: કોરોના વાયરસના કેસોમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે બુધવારે 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે, પંજાબમાં આવતીકાલે શાળાઓ ફરી શરૂ થશે. શિક્ષણમંત્રી વિજય ઇંદર સિંગલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શાળાઓ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખોલવામાં આવી શકે છે.
સિંગલાએ જણાવ્યું હતું કે,પરિવારની માંગ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળાઓ જેવી તમામ શાળાઓ માટે છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અધિકારીઓને કહ્યું છે કે, તેઓ કોવિડ-19 મહામારી વચ્ચે બાળકોની સલામતી સુનિશ્ચિત કરે. તમામ શાળાઓને રાજ્ય આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકા,ધોરણસરની કાર્યપદ્ધતિઓ અને સલાહને સખત રીતે અનુસરવા કહેવામાં આવ્યું છે.
ઘણી શાળાઓના પ્રશાસને શિક્ષણ વિભાગને વિનંતી કરી હતી કે, તેઓ વાર્ષિક પરીક્ષા પહેલા શાળા ફરીથી ખોલવા માટે પરવાનગી આપે જેથી વિદ્યાર્થીઓ અંતિમ રીવીઝન કરી શકે.
ગયા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોના મહામારીને કારણે દેશભરની હજારો શાળાઓ બંધ થઈ ગઈ હતી. અને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
ભારતમાં કોવિડ -19 ના નવા 18,088 કેસ પછી દેશમાં સંક્રમણના કેસો વધીને 1,03,74,932 પર પહોંચી ગયા છે. તો, સંક્રમણ મુક્ત બનેલા લોકોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સંક્રમણને લીધે વધુ 264 લોકોનાં મોત પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,50,114 થઈ ગઈ છે.
-દેવાંશી