
રાજકોટમાં ગેરકાયદેસર બાયોડીઝલના 3800 લિટર જથ્થા સાથે બે શખસ પકડાયા
રાજકોટઃ શહેરમાં ફરી એક વખત ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ શરૂ થયું છે. પુરવઠા વિભાગ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે બાયોડીઝલના 3800 લિટર જથ્થા સાથે બે શખસની ધરપકડ કરી હતી. ગેરકાયદે બાયોડીઝલના સેમ્પલને FSL ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એક્સાઈઝ ડ્યુટી, વેટને લીધે પટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા પેટ્રોલ સંચાલિત વાહનો સીએનજી તરફ વળ્યા હતા. એટલે કે વાહનો સીએનજીમાં તબદીલ કરવા લાગ્યા હતા. જ્યારે ડીઝલમાં કોઈ જ વિકલ્પ નહતો, મોટાભાગનું જાહેર ટ્રાન્સપોર્ટેશન ડીઝલ સંચાલિત હોવાથી લકઝરી બસ અને ટ્રકના ઓપરેટરોને મોંઘાભાવનું ડીઝલ પોસાતું નહતું એટલે હલકી કક્ષાના કેમિકલ્સવાળા બાયોડીઝલ તરફ વળ્યા, બાયોડીઝલ 25થી 30 રૂપિયા સસ્તુ હોવાથી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ ખૂબ વધી ગયું હતું. હાઈવે પર તો ઠેર ઠેર બાયો ડીઝલના હાટડીં શરૂ થઈ ગયા છે. ભેળસેળિયા તત્વો તેના જોખમી અને ગેરકાયદેસર વિકલ્પ તરીકે નકલી ડીઝલ વેચવા લાગ્યા છે. ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે શેરીમાં ‘શ્રી રામ ટ્રેડિંગ ’માંથી 3800 લિટર નકલી ડીઝલ તરીકે વેચાતું જ્વલનશીલ રસાયણ ઝડપી પાડ્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપી પાસેથી 2,20,400ની કિંમતના પદાર્થ સાથે મજૂરી કામ કરતા બે શખસો હાર્દિક હરીભાઈ પરમાર રાજપૂત અને ભૌતિક હરિભાઈ પરમારની ધરપકડ કરી અને આ ક્યાં પ્રકારનું કેમિકલ છે તથા ક્યાંથી લાવ્યા છે, કંઈ રીતે બનાવાયું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. (file photo)