
ગુજરાત વિધાસભાના બે દિવસીય સત્રમાં પ્રજાના અનેક પ્રશ્નોની ચર્ચા માટેનો સમય અપુરતો છેઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટુંકા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાજપ સરકારને પ્રજાના પ્રશ્નોના જવાબો આપવા ન પડે તે માટે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું નહી પણ પ્રશ્નોતરી પણ રદ કરતા ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નોની માહિતી પણ મેળવી શકશે નહીં લોકશાહી માટે આવી રીત-રસમ યોગ્ય નથી તેમ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના બંધારણની કલમ-174ની જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર 6 મહિનાની અંદર મળવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. છેલ્લે ગુજરાત વિધાનસભાનું સત્ર તા.1-4-2022 ના મળ્યું હતું એટલે કે તા. 01-10-2022 પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે. રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈની ખબર હોવા છતાં ધારાસભ્યો પ્રશ્નો પુછી ન શકે અને સળગતા લોકપ્રશ્નોની ચર્ચાઓ વિધાનસભા ગૃહમાં ન થાય તે માટે ભાજપ સરકારે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નો પુછવાનો સમય કામકાજના વધુમાં વધુ 28 દિવસ અને ઓછામાં ઓછા 21 દિવસનો છે તે ભાજપ સરકાર સારી રીતે જાણે છે એટલે વિધાનસભામાં પ્રશ્નોના જવાબો આપવા ન પડે તે માટે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવીને ભાજપ સરકારે વિધાનસભામાં પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2016માં ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે ભારતમાં લેજિસ્લેટિવ બોડીઝના પ્રિસાઇડિંગ ઓફિસર્સની 78મી કોન્ફરન્સમાં તત્કાલીન લોકસભાના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનની અધ્યક્ષતામાં ગૃહની બેઠકો દરમિયાન સભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા, ચર્ચાની ગુણવત્તામાં સુધારો કરવા અને રાજ્ય વિધાનસભાઓમાં વર્ષમાં ઓછામાં ઓછા 60 દિવસ ગૃહની બેઠકો સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવા પર ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની બેઠકો વર્ષમાં ઓછામાં ઓછી 60 દિવસ મળવી જોઈએ તેવો ઉલ્લેખ લોકસભાના તત્કાલીન અધ્યક્ષએ તેઓના પ્રવચનમાં પણ કર્યો હતો, પરંતુ ગુજરાત વિધાનસભાનું સત્ર છેલ્લા 20 વર્ષથી ભાજપના શાસનમાં વર્ષમાં માત્ર અડધા દિવસો એટલે કે 30 દિવસ માંડ મળે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના સરકારી અને પ્રજાલક્ષી પ્રશ્નોની વણઝાર છે. જેમાં ખેડૂતોના મીટરપ્રથા બંધ કરવા, સિંચાઈ-પાણી, જમીન માપણી વગેરે પ્રશ્નો, વિજ બિલના સમાન દર રાખવા અંગેનું આંદોલન, જૂની પેંશન યોજના લાગુ કરવાનું આંદોલન, એલઆરડી પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે મેળવવાનું આંદોલન, આરોગ્યમાં કાયમી ભરતી કરવા અને ફીકસ-કોન્ટ્રાકટ ભરતી બંધ કરવાનું આંદોલન, હેલ્થ વર્કરને ટેકનીકલ સ્ટાફ તરીકે ગણવા અને ગ્રેડ-પે મેળવવા માટેનું આંદોલન, વનરક્ષક, વનપાલ અને વન વિભાગના રોજમદારોને સાતમા પગાર પંચનો લાભ મેળવવા અને ગ્રેડ-પેમાં વધારો કરવા માટેનું આંદોલન, આશાવર્કર અને આંગણવાડી બહેનોના ગ્રેડ-પેમાં વધારો કરવા અંગેનું આંદોલન સહિતના અનેક પ્રશ્નોની લોકશાહીના મંદિર એવા વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવી જરૂરી છે.