
અમદાવાદ મ્યુનિ.ને કચરામાંથી આવક, ઘોલેરા એક્સપ્રેસ હાઈવે માટે 12.5 લાખ ટન કચરાનો ઉપયોગ
અમદાવાદઃ શહેરના પીરાણા વિસ્તારમાં મ્યુનિ,દ્વારા એકત્ર કરાતા કચરાના મોટા ડુંગર બની ગયા હતા. અને કચરાના ડુંગર દુર કરવા મ્યુનિ.ના સત્તાધિશો માટે વિકટ પ્રશ્ન બની ગયો હતો. પીરાણા વિસ્તારમાં પ્રદુષણના પ્રશ્નો ઊભા થતાં કચરાના ડુંગરો હટાવવાની માગણી પણ પ્રબળ બની રહી હતી. આખરે મ્યુનિ.કોર્પોરેશનને કચરાનો ડુંગર હટવવાની કામગીરી મહિનાઓથી હાથ ધરવામાં આવી છે. અને આગામી બે મહિનામાં કચરાનો ડુંગર સંપૂર્ણપણે દર થઈ જશે. મ્યુનિ.ને કચરાના નિકાલથી પણ આવક થઈ રહી છે. કારણ કે, કચરાના ડુંગરમાંથી નીકળતાં પ્લાસ્ટિક વેસ્ટ પેટે એક ખાનગી કંપની મ્યુનિ. કોર્પોરેશનને વર્ષે 51.11 લાખ ચૂકવે છે. આ ઉપરાંત ડુંગરમાંથી નીકળતો માટી જેવો કચરો ધોલેરા ખાતે બની રહેલા હાઈવેમાં પુરાણ તરીકે વપરાય છે અને આ માટે મ્યુનિ.ને ટન દીઠ રૂ.1.5 મળે છે. અત્યાર સુધી મ્યુનિ.એ લગભગ 12.5 લાખ ટન કચરો પુરાણ માટે આપ્યો છે.
અમદાવાદ શહેરમાં 1980થી પીરાણા ખાતે શહેરભરનો કચરો ઠલવાઇ રહ્યો છે. આમ વર્ષોથી શહેરભરનો કચરો એક જ જગ્યાએ ઠલવાતો હોવાથી કચરાનો મોટો ડુંગર બની ગયો હતો. આથી પીરાણા વિસ્તારમાં હવામાં પ્રદુષણ વધી રહ્યું હતું. કચરાના ડુંગરની બાજુમાંથી હાઈવે પસાર થતા હોવાથી વાહનચાલકો અને એમાં બેઠેલા લોકોએ કચરાના ડુંગર પાસેથી વાહન પસાર થાય ત્યારે નાક બંધ કરવાની ફરજ પડતી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિ.ને આખરી હુકમ કરીને કોઇપણ રીતે આ કચરાનો ડુંગર દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. 2019થી અહીં ટ્રોમિલ મશીનો ગોઠવીને કચરાનો નિકાલ શરૂ કરાયો હતો. હાલ રોજનો 300 ટન કચરો સાફ કરતાં 60 મશીન અને રોજનો 1000 ટન કચરો સાફ કરતાં 11 મશીનો કાર્યરત છે. એક સમયે 84 એકરમાં ફેલાયેલા આ કચરાનો ડુંગર હવે ઘટીને 59 એકરનો થઈ ગયો છે. અત્યાર સુધીમાં 95 લાખ ટન કચરો સાફ થવા સાથે 35 એકર જગ્યા ખુલ્લી થઈ ગઈ છે.