
ભારતઃ સોનાના ભાવમાં વધારા વચ્ચે માગમાં 18 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ ભારતમાં 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 18 ટકા ઘટીને 135.5 ટન થઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ જણાવ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ભાવમાં તીવ્ર વધારાને કારણે માંગમાં ઘટાડો થયો છે. વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની માંગ 165.8 ટન રહી હતી.
સોનાની માંગ પર WGC દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી-માર્ચમાં સોનાની માંગ મૂલ્યની દ્રષ્ટિએ 12 ટકા ઘટીને રૂ. 61,550 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 69,720 કરોડ હતો.
WGC પ્રાદેશિક સીઈઓ (ભારત) સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, સોનાના ભાવ જાન્યુઆરીમાં વધવા લાગ્યા હતા અને આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કિંમતી ધાતુ આઠ ટકા વધીને રૂ. 45,434 પ્રતિ 10 ગ્રામ (ટેક્સ વિના) પર પહોંચી હતી. રિપોર્ટ અનુસાર, સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં જ્વેલરીની એકંદર માંગ 26 ટકા ઘટીને 94.2 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 126.5 ટન હતી. આ સમયગાળા દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ જ્વેલરીની માંગમાં 20 ટકાનો ઘટાડો થયો હતો.
WGCના અહેવાલમાં જણાવાયું છે કે, માર્ચ ક્વાર્ટરમાં સોનાની વૈશ્વિક માંગ 34 ટકા વધીને 1,234 ટન થઈ છે. ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા. 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વૈશ્વિક સોનાની માંગ 919.1 ટન હતી.