
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલ મેચ, લોકો માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે 19 નવેમ્બરને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્રિકેટ મેચ જોવા માટે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો આવવાના હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓના ઘસારાને પહોચી વળવા સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે. જેમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ખાતે યોજાનારી ફાઇનલ ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)- અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09001 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 18 નવેમ્બર 2023ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09002 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ 4 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી I-ટાયર, એસી 2-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ખાતે યોજાનારી ફાઇનલ ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ વિશેષ ટ્રેનોની જોડી દોડાવવામાં આવશે. આજે શનિવારથી ટ્રેનનું બુકીંગ કરાવી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી વર્લ્ડકપ ફાયનલ મેચ નિહાળવા માટે આવતા લોકોને બને ત્યાં સુધી પોતાના વાહનોને બદલે સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. મેટ્રો સવારે 6.20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી દર 12 મિનિટ દોડાવાશે. મેટ્રો ટ્રેનનો સમય મેચ દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેથી ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો ટ્રેનમાં બેસીને પોતાના ઘરે પહોંચી શકે. રવિવારે મેટ્રો રેલ સવારે 6.20 થી શરૂ કરીને રાત્રે 1:00 વાગ્યા સુધી દોડાવવામાં આવશે.