
ભારત-ઈંગ્લેન્ડ ટીમઃ ધીમી ઓવર રેટ મામલે બંને ટીમોને કરાયો દંડ
દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ગુરુવારથી રમાનારી બીજી ટેસ્ટ પહેલા જ બંને ટીમોને મોટો ફટકો પડ્યો છે. આઈસીસીએ પ્રથમ ટેસ્ટમાં ધીમી ઓવર રેટના કારણે બંને ટીમોને દંડ ફટકાર્યો છે. બંને ટીમની ફીસમાંથી 40 ટકા રકમ કાપી લેવાશે. આ ઉપરાંત બે-બે પોઈટ પણ કાપવામાં આવશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પદ્ધતિ હેઠળ મેચ ડ્રો થતા બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યાં હતા. જો કે, હવે બંને ટીમોના 2-2 પોઈન્ટ કાપી લેવાતા તેમને 2-2 પોઈન્ટ જ મળશે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પ્રથમ ટેસ્ટ નોટિંધમના ટ્રેંટ બ્રિજ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચ ડ્રોમાં પરિણમી હતી. વરસાદના કારણે મેચને અસર થતા પાંચમા દિવસે રમત આગળ વધી શકી ન હતી. ટીમ ઈન્ડિયાને અંતિમ દિવસે જીત માટે 157 રનની જરૂર હતી. જ્યારે હજુ 9 વિકેટ બાકી હતી. મેચ રેફરી ક્રિસ બોર્ડને બંને ટીમ ઉપર દંડ એ માટે લગાવ્યો કારણ કે, પ્રથમ ટેસ્ટમાં નક્કી સમય મર્યાદામાં 2-2 ઓવર ઓછી નાખવામાં આવી હતી. આઈસીસીના કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.22 અનુસાર કોઈ ટીમ સમય મર્યાદામાં ઓવર નથી ફેકતી તો ટીમના ખેલાડીઓને દંડ કરી શકાય છે. દરેક એક ઓવર માટે ખેલાડીઓની ફિસમાંથી 20 ટકા દંડ ફટકારાય છે.
આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરતોના અનુચ્છેદ 16.11.2 હેઠળ ટીમ પર દરેક શોર્ટ ઓવર માટે એક એક અંકનો દંડ થાય છે. ભારત અને ઈંગ્લેન્ડ નિર્ધારિત સમયમાં બે-બે ઓવર ઓછી ફેંકી હતી. જેથી બંને ટીમોના 2-2 પોઈન્ટ કાપી લેવામાં આવ્યાં છે.