ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને થશે સીધો લાભ: ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની, આ ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. સાથે જ વધુમાં તેઓએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે. આ ડીલના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળ મળશે.
મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18 ટકાનો ઘટાડો એ ઉત્પાદન, MSME,નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે. એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે. આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે.
વધુ વાંચો: અમિત શાહ પ્રથમ સહકારી-ક્ષેત્રની ટેક્સી સેવા, ભારત ટેક્સી લોન્ચ કરશે


