
વર્લ્ડકપ 2019: કોહલીએ કહ્યું- ઇંગ્લેન્ડમાં દબાણનો સામનો કરવો જરૂરી, શાસ્ત્રીએ કહ્યું- ધોનીની ભૂમિકા હશે મોટી
વર્લ્ડકપ માટે ઇંગલેન્ડ જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. કોહલીએ કહ્યું કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓનો સામનો કરવા કરતા વધુ જરૂરી છે ત્યાં વર્લ્ડકપના દબાણનો સામનો કરવો. શાસ્ત્રીએ કહ્યું કે ટુર્નામેન્ટમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ઘણી મોટી હશે. ખાસ કરીને તે નાના-નાના પ્રસંગોએ જ્યાંથી મેચ બદલાઈ શકે છે. ભારતીય ટીમ બુધવારે સવારે 4 વાગે ઇંગ્લેન્ડ જવા માટે રવાના થશે.
પ્રેસ કોન્ફરન્સમાં વિરાટે કહ્યું, ‘અમારી ટીમ ઘણી સારી સ્થિતિમાં છે. અમે આઇપીએલ રમ્યા છીએ. તેમાં પણ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. અમને આશા છે કે વર્લ્ડકપમાં પણ ખેલાડીઓ તેમનું આ સારું પ્રદર્શન જાળવી રાખશે. ઇંગ્લેન્ડમાં સફેદ દડાથી ક્રિકેટ રમવું અને ત્યાં ટેસ્ટ રમવી બંને પરિસ્થિતિમાં કોઈ અંતર નથી. ઇંગ્લેન્ડમાં પિચ ભલે સપાટ હોઈ શકે છે પરંતુ ઓવરનાઇટ કંડિશન્સ મહત્વ રાખે છે. ઇંગ્લેન્ડમાં રાતની સ્થિતિનો સવારે બહુ અસર હોય છે. અમે તેના માટે પણ તૈયાર છીએ.’
કોહલીએ કહ્યું, ‘અમે વર્લ્ડકપમાં ટીમના સારા પ્રદર્શન અને દબાણ સહેવા અંગે ધ્યાન આપી રહ્યા છીએ. મોટી ટુર્નામેન્ટમાં આ બહુ જરૂરી છે. આઇસીસી ટુર્નામેન્ટમાં પિચ બહુ સારી હોય છે. અમે હાઇસ્કોરિંગ ગેમની અપેક્ષા રાખીએ છીએ, કારણકે અત્યારે ત્યાં ગરમી છે. જોકે, અમે દરેક પ્રકારની પરિસ્થિતિ અંગે વિચાર કરી રહ્યા છીએ. વર્લ્ડકપમાં અમને હાઇસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.’
રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘ભારતીય ટીમને જુઓ. અમે છેલ્લા 5 વર્ષોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. વર્લ્ડકપ એક મંચ છે, જ્યાં અમારે સારું પ્રદર્શન કરવાનું છે અને તેનો લુત્ફ ઉઠાવવાનો છે. જો અમે અમારી સંપૂર્ણ ક્ષમતાથી રમીશું તો વર્લ્ડકપ પાછો આવી શકે છે. આ એક જબરદસ્ત મુકાબલો છે. જેવું વિરાટે કહ્યું એમ કોઈપણ ટીમ જીતી શકે છે. વેસ્ટિઇંડિઝને તમે જુઓ તો કાગળ પર તે અન્ય કોઈપણ ટીમ કરતા મજબૂત છે. એટલે સુધી કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ 2015ની સરખામણીએ વધુ મજબૂત છે.’
શાસ્ત્રીએ કહ્યું, ‘ધોની ગમે ત્યારે ગેમ બદલી શકે છે. રનિંગ, વિકેટકિપીંગ અને દબાણ સહેવાની તેમની કાબેલિયત તેમને અલગ બનાવે છે. તેમની આ વર્લ્ડકપમાં સૌથી મહત્વની ભૂમિકા છે. આ ફોર્મેટમાં તેમનાથી સારું કોઈ નથી. ખાસ કરીને તે નાના-નાના બનાવો જે રમતને બદલી શકે છે. તેઓ આ વર્લ્ડકપમાં એક મોટા ખેલાડી સાબિત થશે.’