1. Home
  2. ગુજરાતી
  3. LPG સંકટ વચ્ચે ભારતીયોનો PNG તરફ ઝુકાવ: બે સપ્તાહમાં 1.25 લાખ નવા કનેક્શન
LPG સંકટ વચ્ચે ભારતીયોનો PNG તરફ ઝુકાવ: બે સપ્તાહમાં 1.25 લાખ નવા કનેક્શન

LPG સંકટ વચ્ચે ભારતીયોનો PNG તરફ ઝુકાવ: બે સપ્તાહમાં 1.25 લાખ નવા કનેક્શન

0
Social Share

નવી દિલ્હી, 10 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અસ્થિરતાના કારણે સર્જાયેલા સંભવિત LPG સંકટ વચ્ચે ભારત સરકારની અપીલની મોટી અસર જોવા મળી રહી છે. પાઇપલાઇન દ્વારા ગેસ મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં દેશમાં અંદાજે સવા લાખ (1.25 લાખ) નવા ઘરેલું, વ્યાપારી અને ઔદ્યોગિક PNG કનેક્શન આપવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર છેલ્લા ત્રણ દિવસમાં જ 5600થી વધુ ગ્રાહકોએ પરંપરાગત LPG સિલિન્ડર છોડીને PNG પર સ્વિચ કર્યું છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આંતર-મંત્રાલય બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સ્થિતિ ચિંતાજનક ચોક્કસ છે, પરંતુ દેશમાં ક્યાંય પણ ગેસ સિલિન્ડરની અછત નથી. તેમણે મહત્વના આંકડા રજૂ કરતા કહ્યું કે, ઓનલાઇન બુકિંગમાં 94 ટકાનો વધારો થયો છે. તેમજ 83 ટકા રિફિલ સપ્લાય ડિલિવરી ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવી રહી છે. બુધવારે એક જ દિવસમાં અંદાજે 57 લાખ રિફિલ બુકિંગ થયા છે. રિટેલ પંપો પર પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.

ભારત સરકારે LPGના પુરવઠા માટે માત્ર પશ્ચિમ એશિયા પર નિર્ભર રહેવાને બદલે હવે સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનું શરૂ કર્યું છે. સરકારે હવે અમેરિકાથી LPGની આયાત શરૂ કરી દીધી છે અને અન્ય દેશો સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ સિવાય, PNG અને CNGનો 100% પુરવઠો કોઈપણ કાપ વિના જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે. ગેસ સંકટની અફવાઓ વચ્ચે સંગ્રહખોરી અને કાળાબજારની ફરિયાદો મળતા સરકારે કડક વલણ અપનાવ્યું છે. 31 રાજ્યોમાં કંટ્રોલ રૂમ અને 25 રાજ્યોમાં જિલ્લા સ્તરીય નિરીક્ષણ સમિતિઓ બનાવવામાં આવી છે. સરકારે ઘરેલું LPG અને PNG ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ સાથે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પર્યાવરણ મંત્રાલયે રાજ્યોને આ વૈકલ્પિક ઇંધણના ઉપયોગની મંજૂરી આપવાની સલાહ આપી છે, જ્યારે કોલસા મંત્રાલયે રાજ્યોને વધુ જથ્થામાં કોલસો ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code